Mysamachar.in-વડોદરા:
હજુ તો ગતરોજની વાત છે કે ભાવનગર અમદાવાદ શોર્ટરૂટ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાઈ જતા 5 લોકોના કમકમાટીભર્યા મોટા નીપજયાની ઘટના હજુ તો નજર સમક્ષ છે ત્યાં જ આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવે સામે આવી છે. જેમાં લક્ઝરી બસ અને ટ્રેલરનો થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 15 થી વધુ લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન ભીલવાડાથી બોમ્બે જતી લકઝરી બસ મુસાફરોથી ભરેલી હતી. ત્યારે આ બસનો ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મુસાફરોના સ્થળ પર મોત થયા હતા. તો 17 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 2 મુસાફરોના મોત નિપજ્યા છે. આમ, અકસ્માતમાં મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે. અકસ્માત બાદ લક્ઝરી બસની સ્થિતિ એટલી ખરાબ હતી કે, બસના પતરા કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થયું છે તો 17 ઇજાગ્રસ્તો પૈકી એક ની હાલત ગંભીર છે અને મૃત્યુ આક વધવાની શક્યતા છે.
-મૃતકો ના નામ…
સંદિપ કલાલ 27 વર્ષ
કિસાનભાઈ 45 વર્ષ
શાંતિ નાઈ
સુનિતા નાઈ
એક 25 વર્ષીય મહિલા જેની ઓળખ બાકી
1 વર્ષ ના બાળકનું સારવાર દરમિયાન મોત