Mysamachar.in-વડોદરા:
વડોદરા શહેરમાં દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં છકડાને કચડી કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત 11 લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં પહેલા પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યાં હતા. જે બાદ આંકડો વધીને 11 થયો છે. એરફોર્સ જવાનો ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. કન્ટેનરે રોંગ સાઈડમાં ઘૂસી છકડાને અડફેટે લીધો સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કાર ચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરફોર્સની દિવાલમાં ઘૂસી ગયું હતું. અકસ્માતની જાણ થતા કલેકટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.