Mysamachar.in-વડોદરા:
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂની મોટી હેરફેર અનેકવાર સામે આવતી રહે છે, હરીયાણાથી કન્ટેનરમાં સુરત તરફ લઇ જવાતો રૂપિયા 41 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો શહેર નજીક ગોલ્ડન ચોકડી ટોલ નાકા પાસેથી શહેર પી.સી.બી.એ ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં ઘૂસાડવા માટે ઠેકેદારો અને બુટલેગરો સક્રિય થઇ ગયા છે. જોકે, પોલીસ તંત્ર પણ દારૂની હેરાફેરીના નેટવર્કને તોડવા માટે એલર્ટ થઇ ગયું છે. એક કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો ભરીને હાલોલથી વડોદરા તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પી.સી.બી. શાખાની ટીમે વડોદરા નજીક ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ ગોઠવી કન્ટેનરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ વિદેશી દારૂનો જથ્થો સલામત પહોંચાડવા બુટલેગરો દ્વારા ACના ખોટા ટેક્ષ ઇન્વોઇસ ઇ-વે બિલ તથા લેરી બિલ્ટી બનાવી હતી. આ દારુનો જથ્થો રાજસ્થાન બ્યાવર ખાતે રહેતા ગોપાલસિંગે તેના માણસ થકી હરીયાણા નારનોલ હાઇવે ઉપરથી કન્ટેનરમાં ભરાવ્યો હતો. અને કન્ટેનર ચાલક જગદીશ રઘુનાથજી ઢાકા (બિશ્નોઇ) રહે. મેઢા ગામ, તા. ચિતલવાડા, રાજસ્થાન) હરીયાણા નારનોલ થઇ જયપુર, શામળાજી, મોડાસા, ગોધરા, હાલોલ થઇ વડોદરા થઇ સુરત તરફ માલની ડિલીવરી કરવા જતો હતો.
પોલીસે કન્ટેનર ચાલક જગદીશ રઘુનાથજી ઢાકા (બિશ્નોઇ) રહે. મેઢા ગામ, તા. ચિતલવાડા, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે વિદેશી દારૂ હરીયાણાથી ભરાવનાર રાજસ્થાનના બ્યાવરના રહેવાસી ગોપાલસીંગ, હરીયાણા નારનોલથી દારુ મોકલનાર અને સુરતમાં ડિલીવરી લેનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર, રૂપિયા 2385 રોકડા, એક મોબાઇલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા 56,11,585 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.