Mysamachar.in-વડોદરા
રાજ્યના કેટલાય શહેરોમાં અને ખાસ કરીને મેટ્રોસીટીમાં સ્પાના ઓથા હેઠળ સેક્સ રેકેટ ચાલી રહ્યા છે, તેમાંથી અમુકમાં સમયાંતરે પોલીસ બાતમી મળે એટલે દરોડા પાડવાની કાર્યવાહી કરતી હોય છે, આવો જ વધુ એક કિસ્સો વડોદરાથી સામે આવી રહ્યો છે, જ્યાં વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના ઓથા હેઠળ ધમધમતા સેક્સ રેકેટને વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડીને કેશ કાઉન્ટર ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત 39 હજારની મત્તા સાથે સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્પામાં સંચાલક પ્રિતેશ મિસ્ત્રી પોતાના ફાયદા માટે નોર્થ ઈસ્ટ ઇન્ડિયાથી યુવતીઓ લાવે છે અને તેના રહેઠાણની વ્યવસ્થા કરીને બોડી મસાજના ઓથા હેઠળ શરીરસુખ માણવા ઇચ્છુક યુવકોને યુવતીઓ બતાવી ગ્રાહકોની પસંદગી મુજબ એક કલાકના વ્યક્તિ દીઠ 3 હજારથી 9 હજાર રૂપિયા લઇને સેક્સ રેકેટ ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને યુવતી રૂમમાં પ્રવેશતા ડમી ગ્રાહકે પોલીસને મિસ કોલ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત રકમ ચુકવવા પોલીસે ચલણી નોટના નંબરો નોંધ કરીને આપેલા રૂપિયાની ચુકવણી કરવા તખ્તો ગોઠવ્યો હતો.
ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં પહોંચતા જ એક યુવતી સાથે બોડી મસાજ તેમજ શરીર સુખ માણવા રિસેપ્શન કાઉન્ટર પર 7 હજાર રૂપિયા નક્કી કર્યાં હતા, ત્યાર બાદ ડમી ગ્રાહકે પોલીસને સિગ્નલ આપતા જ પોલીસ ત્રાટકી હતી અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાઇ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતી નોર્થ દિલ્હીની હોવાનું બહાર આવ્યું હતું યુવતીના પર્સમાંથી ત્રણ કોન્ડમના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી આરંભી છે.