Mysamachar.in-વડોદરા
સમગ્ર રાજ્યમાં જે કિસ્સાએ ચકચાર મચાવી દીધી તે વડોદરાના એક જ પરિવારના લોકોએ ઝેરી દવા પી આત્મહત્યાનો બનાવ છે, આ ખુબ જ દુખદ કહી શકાય તેવી ઘટનામાં પરિવારના 3 સભ્યોના મોત થયા છે, જયારે અન્ય ત્રણની હાલ સારવાર ચાલી રહી છે, ભલભલા કઠણ હ્રદયના લોકોનું પણ કાળજુ કંપાવી દે તેવી આ ઘટનામાં પરિવારના 60 વર્ષના મોભી, 16 વર્ષની પુત્રી અને 4 વર્ષના માસૂમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. એવામાં હવે આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલા ભાવિન સોનીનું મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન નોંધ્યું છે. જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. અને તેમાં 9 જેટલા જ્યોતિષીઓની ભૂમિકા પણ સામે આવી રહી છે.
પોલીસે સામુહિક આપઘાતના આ કિસ્સામાં બચી ગયેલા ભાવિન સોનીનું નિવેદન લેતા આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીના ચક્કરમાં ફસાયો હોવાનું પણ નિવેદન પરથી લાગી રહ્યું છે, 9 જેટલા જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ ખંખેરી લીધા હતા. અમદાવાદ અને વડોદરાના કુલ 9 જ્યોતિષ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે, પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢવાના બહાને પરિવાર પાસે નાણા ખંખેર્યા હતા. ત્યારબાદ પરિવાર વધુ આર્થિક સંકટમાં આવી ગયો હતો. અને આ પગલું ભરવા મજબુર થયો હોય તેમ માનવામાં આવી રહ્યું છે,
પરિવારના મોભી દ્વારા આત્મહત્યાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 4 વર્ષના પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ દવા પીવડાવી હતી. હવે પોલીસે દાદા નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. વડોદરામાં સામૂહિક આપઘાત કરતા પહેલા પરિવારે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે હવે આ સ્યુસાઇડ નોટ કબજે કરી છે. કુલ 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી આપી છે. પોલીસે તેના માટે એફએસએલની મદદ પણ લીધી છે.
સોની પરિવારે સોફ્ટડ્રીંકમાં ઝેર મિક્સ કરીને સામૂહિક આત્મહત્યા કરી હતી. આર્થિક ભીંસને લઈને એક જ પરિવારના 6 સભ્યોને આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હતું. આ ઘટનામાં પરિવારના 3 ના મોત થયા છે. તો હાલ ત્રણ સદસ્યો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના મોભી નરેન્દ્ર સોની (ઉંમર 60 વર્ષ), રિયા સોની (ઉંમર 16 વર્ષ) અને પાર્થ સોની (ઉંમર 4 વર્ષ) ના મોત નિપજ્યા છે. જ્યારે કે, ભાવિન સોની (ઉંમર 28 વર્ષ), ઉર્વી સોની (ઉંમર 25 વર્ષ) અને દીપ્તિ સોની (ઉંમર વર્ષ 55) સારવાર હેઠળ છે. અને આ મામલાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી હોય પોલીસના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠ સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.