Mysamachar.in-વડોદરા:
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા અને ગુમ થયેલા કલ્પેશભાઇ પરમાર કમ્પ્યુટર ઉપર ડેટા એન્ટ્રી સાથે શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરે છે. અને તેમનો પાંચ સભ્યોનો પરિવાર 1 માર્ચના રોજ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા માટે લઇ ગયા હતા. ત્યારબાદ પરિવાર ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ આજે ડભોઇ પાસે નર્મદા કેનાલમાંથી કાર મળી આવી છે અને જેમાંથી 4 મૃતદેહ મળી આવ્યા છે. ડભોઇ તાલુકાના તેન તળાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબેલી હાલતમાં કાર જોવા મળી હતી. જેને પગલે પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા બાદ ગુમ થયેલા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે. જોકે કલ્પેશની પત્ની હજુ પણ લાપતા છે. જેથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઇ સ્ટેચ્યૂઓફ યુનિટીના પ્રવાસે આવ્યો હતો. સાંજે કારમાં પરત વડોદરા જવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નહીં મળતા કલ્પેશના સાળા કિરણે કેવડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સી.સી.ટી.વી ફૂટેજની ચકાસણી કરતાં સાંજે 7 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર દેખાઇ હતી. અને અંતે ચાર મૃતદેહો મળ્યા છે, જયારે એક મહિલાના મૃતદેહની શોધખોલ ચાલી રહી છે.
