Mysamachar.in-વડોદરાઃ
જેમ જેમ ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે તેમ તેમ ડિજિટલ ફ્રોડની ઘટનામાં પણ વધારો થઇ રહ્યો છે, જો કે થોડી સાવધાની રાખવાની નુકસાનીથી બચી શકાય તેમાં કોઇ શંકા નથી. આવી જ એક ઘટના વડોદરાના ડભોઇમાં સામે આવી છે, અહીં લાટી બજાર મુખ્ય માર્ગ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં રૂપિયા ઉપાડવા આવેલી યુવતી ઠગ ટોળકીનો ભોગ બનતા બચી ગઇ. વાત એવી છે કે યુવતી ATMમાં પૈસા ઉપડાવા આવી હતી, આ દરમિયાન બે શખ્સો પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહી યુવતી પાસેથી ATM કાર્ડ લઇ પોતાની પાસે રહેલી એક ચીપ સાથે ઘસવા લાગ્યા, યુવતી શંકા જતા તેણીએ બંને શખ્સોને અટકાવ્યા અને શું કરો છો તેમ પ્રશ્ન પૂછ્યો, જો કે જવાબ ન હોવાથી બંને શખ્સો ATMની બહાર નીકળી ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન યુવતીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઇ ગયા અને એક શખ્સને ઝડપી પહેલા તો મેથીપાક ચખાડ્યો, ત્યારબાદ પોલીસ હવાલે કર્યો હતો. ઝડપાયેલા શખ્સનું નામ વિનોદ મહેલ્લા મહાવીરસિંગ સિશે હોવાનું બહાર આવ્યું છે, જે હરિયાણાનો રહેવાસી છે.