Mysamachar.in-વડોદરાઃ
ગુજરાતમાં દારૂબંધી છે એ બધા જાણે જ છે, પરંતુ રાજ્યમાં દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાનું પણ જગજાહેર છે. બૂટલેગરોમાં પણ જાણે ખાખી વરદીનો ખોફ ન હોય તેમ મોટા પાયે દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે. જો કે પોલીસની સતર્કતાને કારણે ઘણીવાર આ દારૂ તેના મળતિયાઓ સુધી પહોંચે તે પહેલા જ જપ્ત થઇ જાય છે. આવી જ એક ઘટના વડોદરાના ડભોઇમાં સામે આવી છે, અહીં પાણીના ટેન્કરમાં સંતાડેલી દારૂની પેટીઓ મળી આવી છે. વડોદરા એલસીબીને બાતમી મળી હતી કે ડભોઇ ચોતરીયા પીરની દરગાહ પાસે પાણીના ટેન્કરમાં બિનવારસી દારૂ પડ્યો છે. પોલીસે દરોડા પાડી જુદી જુદી બ્રાન્ડની 1632 નંગ બોટલ જેની કિંમત 6,52,800 થાય છે, સાથે જ કુલ રૂ. 7,02,800ના દારૂના જથ્થાનો કબજો મેળવી તપાસ કરી તો બહાર આવ્યું કે આ દારૂ ડભોઇમાં રહેતા ગીરીશ બાબુ જયસ્વાલ અને રાજી બાબુ જયસ્વાલનો છે. પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.