Mysamachar.in-વડોદરાઃ
તહેવારોમાં તસ્કર ટોળકી સક્રિય થયાની અનેક ઘટના સામે આવી છે. જો કે વડોદરામાં એક ચોર ટોળકીએ અનોખી રીતે ચોરીને અંજામ આપ્યો. ઘટના શહેરના વાસણા રોડ પર આવેલા રાણેશ્વર ચાર રસ્તા પાસે બની, જ્યાં પાંચ તસ્કરોએ એક મોબાઇલની દુકાનને નિશાન બનાવી. દુકાનમાંથી 28 લાખના મુદ્દામાલની ચોરી થયાનું ફરિયાદમાં નોંધાયું છે. જો કે તસ્કરોની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, જેને તપાસ દરમિયાન ચેક કરતાં પોલીસ ટીમ પણ થોડીવાર પોતાનું હસવું રોકી શકી ન હતી, કારણ કે આ તસ્કરોએ સીસીટીવીથી બચવા ચાદરનો સહારો લીધો હતો.
શિવાલયા-2 કોમ્પલેક્ષમાં આવેલી ટોક ટાઇમ મોબાઇલ શોપમાં શનિવારની રાતે તસ્કરોએ હાથફેરો કર્યો. સવારે દુકાન માલિક આવ્યા તો શટર વચ્ચેના ભાગે તૂટેલું હતું. બાદમાં દુકાનની અંદર જઇને જોયું તો બધુ વેરણ છેરણ પડ્યું હતું. બાદમાં તપાસ કરી તો દુકાનમાંથી વિવિધ કંપનીના 129 મોબાઇલ ફોન, 3 એપલ કંપનીના ઇઅરફોન, તથા મોબાઇલ એસેસરીઝ મળીને 2759618 રૂપિયાની મતા તથા ડ્રોવરમાંથી 69325 રૂપિયા રોકડ મળીને 28,28,943 રૂપિયાની મતાની ચોરી કરી હોવાનું જણાયુ હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. બાદમાં પોલીસે દુકાન બહાર લાગેલા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં પાંચ તસ્કરો શોપ પાસે આવી ચાદરની આડાશ ઉભી કરી શટર ઉંચું કરતા જોવા મળ્યા હતા, જ્યારે એક તસ્કર શોપમાં જઇને ચોરી કરતો જોવા મળ્યો હતો. 5 તસ્કરોએ પડદાની આડાશ કરી માત્ર 27 સેકન્ડમાં જ શટર ઊંચું કરી ચોરીને અંજામ આપ્યો હતો.