Mysamachar.in-વડોદરાઃ
રાજ્યમાં વધુ એક ઇમારત ધરાસાયી થવાની ઘટના સામે આવી છે. દૂર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પાંચથી વધુ દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો મૃતક અને ઘાયલ વ્યક્તિઓ મજૂર હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાં છાણી જકાતનાકા વિસ્તારમાં L&T કંપનીની એક જૂની બિલ્ડિંગ આવેલી હતી, આ બિલ્ડિંગ જર્જરિત થઇ જતા તેને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બિલ્ડિંગનો એક ભાગ નમી ગયો અને દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા જ બચાવદળ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાટમાળ હટાવવા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની આશંકા છે.