Mysamachar.in-વડોદરાઃ
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી એસઓજીએ બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભારતના 17 પાસપોર્ટ અને સ્પેનના 5 બોગસ પાસપોર્ટ સાથે 8 આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે વડોદરા એસઓજીએ સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝ સામેના ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે દરોડા પાડ્યા, જ્યાં આઠ ઇસમો શંકાસ્પદ હિલચાલ કરતાં રંગેહાથ ઝડપાયા હતા. તમામ ઇસમો પાસેથી એક બ્લેક કલરની બેગ મળી આવી હતી. જેમાંથી 17 ભારતીય પાસપોર્ટ, સ્પેનના 5 બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. સ્પેનના બોગસ પાસપોર્ટ બેંગ્લોરથી લાવવામાં આવ્યા હતા અને ભારતીય પાસપોર્ટ આરોપીઓ અને તેમના પરિવારજનોના હતા.
સમગ્ર કેસમાં બે મુખ્ય આરોપી દેવેન અને કિર્તિનો વિસનગરમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે. આ ઉપરાંત દેવેન અને કિર્તીએ નિલેશ પંડ્યા નામના આરોપીને લોકોને વિદેશ મોકલવાનું કામ સોંપ્યું હતું. અને તેણે અન્ય પકડાયેલા પાંચ લોકોના પાસપોર્ટ ત્રણ લોકોએ બનાવ્યા છે. અને પાંચેય લોકોને પાસપોર્ટ આપવામાં આવી રહ્યા હતા. તે સમયે પોલીસે રેડ કરીને આઠ આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓનું પહેલાં તો ઇસ્ટોનિયા દેશમાં જવાનું પ્લાનિંગ હતું અને ત્યાંથી તેઓનું સ્પેન જવાનું પ્લાનિંગ હતું. જપ્ત કરેલા પાસપોર્ટ અંગે સ્પેન એમ્બેસીમાંથી પણ ખરાઇ કરવામાં આવશે.
પોલીસે અમદાવાદમાં રહેતા દેવેન વિષ્ણુભાઇ નાયક, નિલેશ હસમુખભાઇ પંડયા તથા મહેસાણામાં રહેતાં કિર્તિકુમાર વેલજીભાઇ ચૌધરી, હિતેષભાઇ ભરતભાઇ પટેલ, રાકેશકુમાર નારાયણભાઇ પ્રજાપતિ, પ્રિયાંક નરેન્દ્રભાઇ પટેલ, પાર્થ દશરથભાઇ પટેલ અને ગાંધીનગરમાં રહેતો જયંતિ પટેલની ધરપકડ કરી છે. નિલેશ હસમુખભાઇ પંડ્યા સામે આ અગાઉ પણ અમદાવાદ શહેરના બેથી ત્રણ પોલીસ સ્ટેશનમાં બોગસ રીતે વિદેશ મોકલવાના અને વિઝા અને પાસપોર્ટને લગતા ગુના નોંધાયેલા છે. પોલીસ ભારતના 17 પાસપોર્ટ અને સ્પેન 5 બોગસ પાસપોર્ટ મળીને 22 પાસપોર્ટ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત હિતેષભાઇ ભરતભાઇ પટેલના નામનું રિપબ્લિક ઓફ ઇસ્ટોનિયાનું ઓળખ પત્ર મળ જપ્ત કર્યું છે.