Mysamachar.in-વડોદરા:
જમનગરમાં થોડા વર્ષ પૂર્વે વાલકેશ્વરી નગરી નજીક આવેલ એક હોટલ પાસેની ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા એક કામદારને ગેસ ગળતર થતાં હોટલ માલિક ત્રણ ભાઈઓ તેને બચાવવા ઉતર્યા હતા અને તેના પણ મોત નીપજવાની દુખદ ઘટના સામે આવી હતી,ત્યારે ગત રાત્રિના વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા પિતા-પુત્ર સહિત ૭ મજૂરોના મોત ગેસ ગળતરના કારણે નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે,પ્રાથમિક તપાસમાં ઝેરી ગેસના કારણે આ તમામના મોત નીપજ્યાં હોવાનું સામે આવે છે,
ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે દર્શન હોટલ આવેલી છે,આ હોટલના માલિક હસન અબ્બાસ છે,મોડી રાત્રે હોટલ સ્થિત ખારકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ૪ અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા,ખાળકૂવામાં ઉતરતાની સાથેજ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.
અંદાજે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખાળકૂવામાં ડૂબી ગયેલા ૭ મજૂરોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા,એક કામદારને ગેસ ગળતર થતાં તેને બચાવવા અન્ય કામદારો પણ એક પછી એક અંદર કૂદી પડતા ચારેયનાં અંદર જ મોત નીપજ્યાં હતા.આ બનાવ બનતા ત્યાં જ હોટલમાં રહી વેઇટરની નોકરી કરતાં ત્રણ વ્યક્તિઓ પણ ખાળકૂવામાં કુદ્યા હતાં.તેઓ પણ ખાળકૂવામાં જ મૃત્યું પામ્યા હતાં.
ઘટનાની જાણ ડભોઇ પોલીસને તેમજ ફાયર સ્ટેશન થતાં પોલીસ અને ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સાત વ્યક્તિને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધાર્યા હતા.ડભોઇ ઉપરાંત વડોદરાથી પણ 3 ફાયર ફાયટર અને 3 મહાનગરપાલીકાના ખાળકૂવા સાફ કરવાના મોટા મશીનો મંગાવી સાતેય મૃત દેહને ૬ કલાકની ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટનાના પગલે પરિવારોમાં શોક નું મોજું ફરી વળ્યું છે.