Mysamachar.in-વડોદરા:
રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી ગુન્હાખોરીના બનાવો વધુ એક બેવડી હત્યાનો કિસ્સો વડોદરા શહેરમા સામે આવતા આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે.ગત મોડીરાત્રીના સયાજીપાર્ક સોસાયટીનાં એક ઘરની અગાશીમાં સુતેલા માતા અને પુત્રીની અજાણ્યા શખ્શોએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે.ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોચીને તપાસ વેગવંતી કરી છે.
વડોદરા શહેરનાં બાપોદ વિસ્તારમાં આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં માતા પુત્રીની હત્યા થઇ છે. આ માતા પુત્રી ગઇકાલે એટલે બુધવારે તેમના ઘરની અગાશી પર સુતેલા હતાં. ત્યારે વહેલી સવારે 3.30 કલાકની આસપાસ કેટલાક શખ્શો બેઝબોલનું બેટ લઇને આવ્યાં હતાં. જેનાથી માતા-પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ બંન્નેનાં મોત નીપજ્યા હતાં. હાલ પોલીસે આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડ્યા છે.
પોલીસે આસપાસના સ્થાનિકો પાસેથી વિગતો મેળવત પુત્રીના લગ્ન થઇ ગયા છે, અને તે પિયરમાં રહેવા આવી હતી.આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી છે.બાપોદ પોલીસ જે જગ્યાએ હત્યાનો બનાવ બન્યો છે ત્યાં આસપાસ રહેતા સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી પણ આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી દીધી છે.