Mysamachar.in-અમદાવાદ:
બે દિવસ અગાઉ Mysamachar.in દ્વારા વાલીઓની જાણ ખાતર સમાચાર બનાવવામાં આવ્યા હતાં કે, આગામી દિવસોમાં ગોઠવણ થશે અને ખાનગી શાળાઓને વધુ ફી મળી શકે તે માટે હિલચાલ ચાલી રહી છે. હવે આ દિશામાં સરકાર એક કદમ આગળ ચાલી ! ખાનગી શાળાઓને ફી વધારો અપાવવા અને આડકતરી રીતે વાલીઓને લૂંટવા- ગોઠવણ થઈ ચૂકી છે,
સરકારે રચેલી કમિટીએ આ ગોઠવણ માટેનું પ્રથમ પગલું ભરી લીધું છે, વાલીઓએ કમ સે કમ હવે સાવધાન થઈ જવું જોઈએ, જો સૂતાં રહેશો તો તમારે તમારાં સંતાનોને ખાનગી શાળાઓમાં ઉંચી ફી આપીને ભણાવવા મજબૂર થવું પડશે, કાળઝાળ મોંઘવારીમાં વાલીઓ આ વધારાનો માર સહન કરી શકશે ?!
પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીના વર્ગો ચલાવતી ખાનગી શાળાઓ માટે સરકારે નક્કી કરેલી લઘુતમ ફી મર્યાદામાં 6 વર્ષથી ફેરફાર થયો નથી, આમ છતાં આ ખાનગી શાળાઓ લઘુતમ ફી મર્યાદા કરતાં પણ વધુ ફી વસૂલવા, ફી નિયંત્રણ સમિતિને ‘સમજાવી’ લઈ ફી વધારો મંજૂર કરાવી લેતાં હતાં. અને એ રીતે વાલીઓ હાલ પણ લૂંટાઈ રહ્યા છે.
ત્યારબાદ હમણાં થોડાં દિવસ અગાઉ ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારમાં એવી રજૂઆત કરી કે, ફી માટેની લઘુતમ મર્યાદામાં સુધારો કરી આપવામાં આવે અને આ રજૂઆત ધ્યાન પર લઈ સરકારે આ માટે એક કમિટીની રચના કરી. ખાનગી શાળાઓના સંચાલકોએ આ કમિટી સમક્ષ ફી વધારા માટે રજૂઆત કરી. આ સરકારી કમિટીએ ખાનગી શાળાઓના સંચાલકોની લાગણી અને માંગણીને માન આપ્યું. અને સરકારને ભલામણ કરી કે, ફી ની લઘુતમ મર્યાદા વધારી આપવી જોઈએ. (એટલે કે, વાલીઓને હજુ વધુ લૂંટવા ખાનગી શાળાઓને મંજૂરી આપવી જોઈએ) !!
હાલમાં ખાનગી શાળાઓ માટે ફીની લઘુતમ મર્યાદા રૂપિયા 15,000 થી 30,000 ની છે. સરકારી કમિટીએ સરકારને ભલામણ કરી છે કે, આ મર્યાદામાં 50 ટકાનો વધારો કરી આપવો જોઈએ. કમિટીએ ભલામણ કરી છે કે, આ લઘુતમ મર્યાદા રૂ. 22,500 થી 45,000 સુધીની કરી આપવી જોઈએ. જો સરકાર આ ભલામણ સ્વીકારી લેશે તો, તમારાં સંતાનની ફી માં 50 ટકા જેટલો તોતિંગ વધારો જૂન-2024/25 થી ઝીંકાઈ શકે છે. વાલીઓને આ તોતિંગ ફી વધારો આ કાળઝાળ મોંઘવારીમાં પોસાઈ શકે ?! વાલીઓએ સાવધાન થઈ જવું જોઈએ.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, સરકારી કમિટીએ એવી ભલામણ કરી છે કે, સાત વર્ષના સમય માટે સરકારે દર વર્ષે સાત ટકાનો વધારો લેવાની સુવિધાઓ ખાનગી શાળાઓને કરી આપવી જોઈએ, આ પ્રકારની રજૂઆત ખાનગી શાળાઓના સંચાલકોએ કમિટી સમક્ષ કરી હોવાનું સમજાઈ રહ્યું છે. જો કે હજુ સુધી સરકાર તરફથી ફી વધારા મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એવું સમજાઈ રહ્યું છે કે, આ સરકારી કમિટીએ કરેલી ભલામણને આધારે ખાનગી શાળાઓના ફી સ્ટ્રક્ચરમાં આગામી સમયમાં એવો ફેરફાર આવી શકે છે, જે ફેરફાર વાલીઓ પરનો વધારાનો નાણાંકીય બોજ પૂરવાર થઈ શકે છે. આવું થશે તો, વાલીઓ મૂંગા મોંએ આ સૂચિત ફી વધારો સહન કરી લેશે ?! એવી પણ ચર્ચાઓ ખાનગીમાં ચાલી રહી છે.