Mysamachar.in:અમદાવાદ
ચેક પરતનાં એક કેસમાં રાજયની વડી અદાલતે એક મહત્વનું નિરીક્ષણ કર્યું છે અને આ કેસમાં નીચલી અદાલતે આપેલો હુકમ હાઈકોર્ટે ઉલટાવી નાંખ્યો છે અને આરોપીની જવાબદારી પર ભાર મૂકી, ફરિયાદીને રાહત મળે તેવો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજયની એક નીચલી અદાલતે ચેક પરતનાં એક કેસમાં આરોપીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, ફરિયાદીએ પોતાની આર્થિક ક્ષમતા સાબિત કરવી જોઈએ. બાદમાં ફરિયાદીના વકીલ આ કેસને વડી અદાલતમાં લઈ ગયા. હાઈકોર્ટમાં અપીલ દરમિયાન ફરિયાદીની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
આ કેસમાં વડી અદાલતે એવું ઠરાવ્યું છે કે, પોતે દોષિત નથી એવા પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી આરોપીની છે. આરોપી દોષિત છે એવું પૂરવાર કરવાની જવાબદારી આ કેસમાં ફરિયાદીની નથી. આ કેસ NI એકટ હેઠળનો હતો. આ કેસમાં નીચલી અદાલતનાં ચુકાદા વિરુદ્ધની ફરિયાદ પક્ષની અપીલ દાખલ કરીને વડી અદાલતે આરોપી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું.ચેક પરતનાં આ કેસમાં નીચલી અદાલતે ફરિયાદી પક્ષને પોતાની આર્થિક સદ્ધરતા પૂરવાર કરવાનું જણાવી આરોપીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.જેને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો.
ફરિયાદીના વકીલે હાઈકોર્ટમાં એવી દલીલો કરી હતી કે, આ કેસમાં પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ પર નાંખી દેવામાં આવી છે. જે યોગ્ય ન લેખી શકાય.વડી અદાલતના ન્યાયમૂર્તિએ આ કેસમાં કહ્યું : પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી નીચલી અદાલતે ફરિયાદી પક્ષ પર લાદી છે, જે આ કેસમાં યોગ્ય નથી. કેમ કે, પ્રારંભિક તબક્કામાં આરોપી પક્ષે ફરિયાદ પક્ષની આર્થિક સદ્ધરતાને ચેલેન્જ આપી ન હતી.