Mysamachar.in-અમદાવાદઃ
વાહન હંકારતી વખતે હંમેશા સાવધાની રાખવી જોઇએ, આજે શહેરી રસ્તાઓ પર એટલા વાહનો દોડી રહ્યાં છે કે ટ્રાફિકજામ અને અકસ્માતની ભરમારની સ્થિતિ તો સામાન્ય બની ગઇ છે. હજુ પણ રાજ્યમાં હજારો યુવક-યુવતીઓ ડ્રાઇવિંગની તાલિમ મેળવી રહ્યાં છે, જો કે અમદાવાદમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી, અહીં માણેકબાગ વિસ્તારમાં ચીમનભાઇ પટેલના બંગલા પાસેના ગ્રાઉન્ડમાં ગુરુવારની સાંજે એક યુવક કાર શીખી રહ્યો હતો. આ દરમિયાન યુવકે બ્રેક લગાવવાની જગ્યાએ એક્સિલરેટર પર પગ મૂકી દેતા કાર પૂટપાટ ઝડપે ગ્રાઉન્ડમાં દોડવા લાગી હતી. બાદમાં યુવકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ ક્રોસ કરીને સામેની દીવાલ સાથે અથડાઇ હતી. કારની સ્પિડ એટલી હતી કે દીવાલ તોડી અડધી અંદર ઘૂસી ગઇ, જ્યારે કારનો અડધો ભાગ બહાર રહ્યો હતો. આ દ્રશ્ય જોઇ અહીંથી પસાર થતા લોકોમાં ભારે કુતુહલતા સર્જાઇ હતી. બીજી બાજુ સમગ્ર ઘટનામાં કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી. પરંતુ કાર અને દીવાલની આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ બની રહી છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે આ ડ્રાઇવરને કહેવું શું ?