Mysamachar.in-અમદાવાદઃ
RTOના નિયમ પ્રમાણે જે લોકો વાહન ચલાવતા શીખી રહ્યાં છે તેઓએ પોતાના વાહનમાં લાલ કલરના અક્ષરથી L એટલે કે Learning લખવું ફરજિયાત હોય છે. L લખેલા વાહનથી અન્ય વાહન ચાલકોએ સંભાળીને રહેવું કારણ કે તે ડ્રાઇવિંગ શીખી રહ્યા હોય છે. પરંતુ મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2018માં લર્નિંગ લાયસન્સ પર વાહન ચલાવનારાઓએ દેશમાં 23,593 હજાર લોકોને અડફેટે લઇને મોતને ઘાટ ઉતાર્યા, એટલું જ નહીં આ પ્રકારે આ રિપોર્ટમાં ગુજરાત 2664 લોકોનાં મોત સાથે દેશમાં બીજા નંબર પર છે. પહેલા નંબર પર ઉત્તર પ્રદેશ છે, જ્યાં 5,737 લોકોનાં મોત થયા છે. સામાન્ય રીતે RTOમાં નિયમ છે કે જેની પાસે લર્નિંગ લાયસન્સ છે તે એકલા વાહન ચલાવી શકે નહીં. ખુલ્લા મેદાન સહિત સોસાયટી કે જાહેરમાર્ગો પર જ્યારે લર્નિંગ લાયસન્સ ધારક વાહન લઈને નીકળે તો તેની સાથે એક ટ્રેઇન્ડ ડ્રાઇવર હોવો ફરજિયાત છે. વાહનના આગળ અને પાછળના કાચ પર L લખેલું હોવું ફરજિયાત છે. એટલું જ નહીં L શબ્દની લંબાઇ ઓછામાં ઓછી 6 ઇંચ હોવી જોઇએ. જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો 100થી લઇને 500 રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. કેટલાક કિસ્સામાં લાયસન્સ પણ રદ થવાના ચાન્સ છે.