Mysamachar.in-અમદાવાદઃ
આમ તો પ્રેમની સાબિતી ન આપવાની હોય પરંતુ પ્રેમમાં ગળાડૂબ એક યુવક અને યુવતીએ એકબીજાના પ્રેમના પારખા કરવાનું ભારે પડ્યું, બંનેએ અમદાવાદ રિવરફ્રન્ટ પરથી કૂદીને મોતની છલાંગ લગાવી દીધી, જો કે સમયસર આવી પહોંચેલા જાબાજ ત્રણ કોન્સ્ટેબલોએ બંનેને બચાવી લીધા. અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ પર એક યુવક અને યુવતી બેઠા હતા, બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે કોણ કોને કેટલો લવ કરે છે. યુવકે યુવતીને પુછ્યું કે તું મને કેટલો પ્રેમ કરે છે, યુવતીએ જવાબ આપ્યા વગર સીધું જ સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું. યુવતીને બચાવવા માટે યુવકે પણ નદીમાં કૂદકો મારી દીધો. જો કે આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની SHE ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તેમની નજર આ બંને યુવક-યુવતી પર પડી જતાં ટીમમાંથી ત્રણ કોન્સ્ટેબલોએ પોતાના જીવનો વિચાર કર્યા વગર બંનેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું. 15 મિનિટ સુધી ચાલેલા રેસ્ક્યૂ બાદમાં ત્રણેય કોન્સ્ટેબલોએ યુવક-યુવતીને પાણીમાંથી બહાર કાઢી 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા.