Mysamachar.in-મોરબીઃ
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછલનો મુદ્દો અનેક વખત ચર્ચાઇ ચૂક્યો છે. જો કે આ મુદ્દે ભલે ગમે તેટલો સાચા-ખોટા રાજકીય વિવાદ થયા પરંતુ બૂટલેગરોને તેનાથી કોઇ ફરક પડતો નથી. આ વાતની પુષ્ટી આપે છે મોરબીમાં ઝડપાયેલો 18 લાખનો દારૂ. અહીં માળિયા (મી)માં ગાંધીધામ નેશનલ હાઇવે નજીક ચેકપોસ્ટ પરથી તૂટેલ-ફૂટેલ બોટલો ભરેલી ટ્રકમાં નીચેના ભાગે લાખોની કિંમતના દારૂ સંતાળેલો મળ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી હતી. રાજકોટ રેન્જની રીડર બ્રાંચને મળેલી બાતમીના આધારે સાયબર સેલની ટીમને દરોડા પાડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટની સાયબર સેલની ટીમે મોરબીના માળિયા (મી)માં ગાંધીધામ નિશનલ હાઇવે ચેકપોસ્ટ પાસે ટ્રક નંબર RJ-09-GB-9896ને રોકી તેના ડ્રાઇવર મૂળ હરિયાણાનો રહેવાસી રણબીર મલીકની અટકાયત કરી હતી. બાદમાં ટ્રકની તલાસી લેતા ટ્રકમાં ઉપરના ભાગે વેસ્ટેજ બોટલ પાથરી હતી, જ્યારે નીચેના ભાગે ઇંગ્લિશ દારૂની 6,024 બોટલ સંતાળેલી હતી, આ દારૂની કિંમત 18,07,200 થાય છે. પોલીસે ટ્રક, એક મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ 38,13,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર રણબીરના અન્ય પાંચ જેટલા સાથીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.