Mysamachar.in-જામનગર:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકો લખે છે: સૌ કોઈ ભ્રષ્ટાચારને દૂષણ ગણે છે અને આ અનિષ્ટનો વિરોધ પણ કરે છે, તો સવાલ એ છે કે- આટલો બધો ભ્રષ્ટાચાર કરે છે કોણ?! ટૂંકમાં, લોકોને ભ્રષ્ટાચાર નડે છે, કનડે છે પરંતુ તેનો વિરોધ હળવી રીતે વ્યક્ત થાય છે એટલે કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આકરો આક્રોશ નથી, લોકોએ તેને શિષ્ટાચાર તરીકે મને કમને સ્વીકારી પણ લીધો છે!!
અને હવે તો આ ડિજિટલ યુગમાં ભ્રષ્ટાચાર પણ ઓનલાઈન થઈ ચૂક્યો છે. લેતીદેતી ઓનલાઈન બેંક ખાતાંઓ મારફતે થવા લાગી છે. ભ્રષ્ટાચારનો હવે લગભગ કોઈને પણ છોછ નથી અને બીક પણ નથી. હોતી હૈ ચલતી હૈ માફક બધું ધમધમી રહ્યું છે. અને હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધની ફરિયાદ પણ સરકારે ઓનલાઈન કરી નાંખી છે, જો કે તેનું કારણ અલગ છે.
જામનગર સહિત સમગ્ર રાજયમાં અનેક કૌભાંડ પ્રત્યે આંગળીઓ ચીંધાતી રહે છે, લોકો આ કથિત ભ્રષ્ટાચારો સંબંધે વિજિલન્સ તપાસની માંગ પણ કરતાં હોય છે. પરંતુ તેમાં બનતું હતું એવું કે, વિજિલન્સની ગાંધીનગર કચેરીમાં જે ફરિયાદો અને રજૂઆતો થતી હતી તે પૈકી ઘણી ફરિયાદ અને રજૂઆત ગૂમ થઈ જતી હતી ! કૌભાંડી તત્વોની પહોંચ પાટનગર સુધી હોય છે. એટલે વિજિલન્સ કચેરીએ નિર્ણય કર્યો કે, લોકો ભ્રષ્ટાચાર સંબંધે જે ફરિયાદ કે રજૂઆત કરે તેના લેટેસ્ટ સ્ટેટ્સની માહિતી અરજદારને મળવી જોઈએ, સરકારનો આ નિર્ણય ખૂબ જ આવકાર્ય છે. આ પદ્ધતિને કારણે ભ્રષ્ટાચારીઓ પર ઘણો અંકુશ આવશે અને વિજિલન્સ કચેરીએ કામ કરી દેખાડવું પડશે, કચેરીમાં પારદર્શિતા વધશે.
વિજિલન્સ કચેરીએ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ અને રજૂઆત માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે, આ પોર્ટલ પરથી અરજદારને ફરિયાદ તથા રજૂઆત સંબંધે SMS મોકલી આ ફરિયાદ અને રજૂઆત સંબંધે વિગતો આપવામાં આવશે. અરજદારને ફરિયાદ સંબંધે રેફરન્સ નંબર આપવામાં આવશે. જેનો ઉપયોગ કરીને અરજદાર ફરિયાદ સંબંધે એન્ડ ટુ એન્ડ વિગતો અને જાણકારીઓ તથા વિજિલન્સ કચેરીએ કરેલી કાર્યવાહીઓ અંગે જાણી શકશે. આયોગ ઈ-સાઈનથી અરજદારને જવાબો આપશે.
પાટનગરમાં સેક્ટર 10 બી ખાતે વિજિલન્સ કમિશનની કચેરી આવેલી છે. જયાં અરજદાર પોતાની ફરિયાદ કે રજૂઆત પોસ્ટ, સ્પીડ પોસ્ટ, એડી કે કુરિયર મારફતે અથવા રૂબરૂ તો આપી જ શકે છે, ઉપરાંત મોબાઇલ કે લેપટોપ મારફત હવે અરજદાર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકશે. આ ફરિયાદ કે રજૂઆત www.gvc.gujarat.gov.in નામના ફરિયાદ પોર્ટલ પર મોકલી શકાશે. જો કે ઈ-મેઈલ, વોટસએપ કે SMS દ્વારા મોકલવામાં આવતી ફરિયાદ કે રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી. સરકારના સામાન્ય વહીવટ વિભાગના જોઈન્ટ સેક્રેટરી શબાના કુરેશીએ આ પોર્ટલ સંબંધી બધી વિગતો પરિપત્ર મારફતે જાહેર કરી છે.