Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં સામાન્ય અને પ્રમાણિક વીજગ્રાહકો સરકારના તથા વીજકંપનીઓના સંચાલનથી ખુશ નથી. કારણ કે, એક તરફ પ્રમાણિક વીજગ્રાહકોને મોંઘીદાટ વીજળી આપવામાં આવે છે, બીજી તરફ ખાનગી વીજકંપનીઓ પાસેથી ઉંચા ભાવે વીજખરીદી કરવામાં આવે છે. સરકારી વીજકંપનીઓને કાર્યક્ષમ રીતે ચલાવવામાં આવતી નથી અને રાજયના તમામ જિલ્લાઓમાં ઉદ્યોગોને વીજ શુલ્કમાં અબજો રૂપિયાની માફી આપવામાં આવે છે. આ બધો જ નાણાંબોજ પ્રમાણિક વીજગ્રાહકોએ પોતાની પીઠ પર સહન કરવો પડે છે !
આ તમામ આંકડા સરકારના ખુદના છે. અને વિધાનસભામાં જાહેર થયેલા છે. રાજય સરકારે કુલ 31 જિલ્લાના ઉદ્યોગોને પાછલાં ત્રણ જ વર્ષમાં રૂ. 2,703 કરોડની વીજશુલ્ક માફી આપી છે. આ રકમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા જતી કરી છે. માત્ર 2023માં જ સરકારે મોરબી એક જ જિલ્લામાં રૂ. 326 કરોડની વીજશુલ્ક માફી આપી આ રકમ જતી કરી છે ! વિધાનસભામાં જાહેર થયેલાં આંકડાઓ મુજબ, ગુજરાત ઈલેક્ટ્રસિટી ડયૂટી એકટ અને સેઝ એકટ હેઠળની જોગવાઇથી અનુક્રમે પ્રથમ પાંચ વર્ષ માટે તથા દસ વર્ષ માટે આ મુક્તિ આપવામાં આવી છે. વર્ષ 2020/21માં રૂ. 782.26 કરોડ, 2021/22માં 921.71 કરોડ અને વર્ષ 2022/23માં રૂ. 1,000 કરોડની માફી આપવામાં આવી છે.
-સરકારના વીજમથકોને ખલાસ કરવામાં આવી રહ્યા છે !
ગુજરાત સરકારે વીજમથકો માટે છેલ્લા બે વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર પાસે 4.25 કરોડ મેટ્રિક ટન કોલસાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે 2.73 કરોડ મેટ્રિક ટન કોલસો આપ્યો. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ગેસ આધારિત વીજમથકો ચલાવવા 1.06 smscsd ગેસની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે બે વર્ષમાં માત્ર 0.03 smscsd ગેસ આપ્યો.