Mysamachar.in-
રાજયનાં ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લાનાં કલેક્ટર (જિલ્લા ચૂંટણી અધિકારી) ને તાકીદની સૂચના પાઠવતો પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં શિક્ષકોની તાજેતરની રજૂઆતોને ન્યાય આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે આ પત્રમાં જણાવ્યું છે કે, રાજયભરમાંથી શિક્ષક સંઘોની વ્યાપક રજૂઆતો પંચને મળી છે. જે અનુસંધાને આ સૂચનાઓ પરિપત્ર કરવામાં આવી છે.
આ પત્રમાં પંચે જણાવ્યું છે કે, BLOની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય 12 કેડર (જેમ કે તલાટી, મધ્યાહન ભોજન કર્મચારીઓ વગેરે), મહદઅંશે સ્થાનિક કક્ષાનાં કર્મચારીઓ પાસેથી પણ કરાવવી જોઈએ. વધુમાં ઉકત સૂચનામાં શિક્ષકોને BLOની કામગીરીમાં ઓછામાં ઓછાં સૂચિત કરવા જોઇએ.
આ ઉપરાંત પત્રમાં કહેવાયું છે કે, BLOની નિમણૂંકો કરવા સમયે ફક્ત જિલ્લા-તાલુકા શિક્ષણ અધિકારીઓ પાસેથી જ માહિતી માંગવામાં આવે છે. જેથી આગામી નિમણૂંકો પહેલાં તાલુકા- જિલ્લાની અન્ય કચેરીઓ પાસેથી પણ કર્મચારીઓની વિગતો મંગાવવી. આ સાથે પત્રમાં એ સૂચના પણ આપવામાં આવી છે કે, ઘણાં BLO ત્રણ વર્ષથી વધુ સમય આ કામગીરી કરી ચૂકયા છે, તેઓને BLO તરીકેની કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ. આ પત્રનાં અંતમાં પંચે કહ્યું છે, હાલમાં BLO તરીકે અલગ-અલગ કેડરનાં કેટલાં કર્મચારીઓ ફરજો બજાવી રહ્યા છે તેની માહિતી 19 ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓએ પંચને મોકલવાની રહેશે.