Mysamachar.in:ગાંધીનગર
આમ તો ગુજરાતમાં દારૂબંધી સર્વવિદિત છે પણ આ દારૂબંધી વચ્ચે પીનારા અને વેચનારા કોઈ ને કોઈ નવો જુગાડ શોધી જ લે છે, આવો જ એક જુગાડ ગાંધીનગરમાં સામે આવ્યો છે. જ્યાં એક બિનવારસી એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર પોલીસે કપડું ઉંચકાવતા દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે, આ અંગે મળતી માહિતી પ્રમાણે,
ગાંધીનગરના ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પર આવેલ ઉદયપુર ઢાબા નજીક બિનવારસી એમ્બ્યુલન્સમાંથી 68 હજારનો વિદેશી દારૂનો જથ્થો ચીલોડા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચિલોડાથી હિંમતનગર જતા હાઇવે રોડ પાસે આવેલા કન્ના માતાજી હોટલ ઉદયપુર ઢાબા ઉપર પોલીસ પહોંચી હતી. જ્યાં ખુલ્લી જગ્યામાં કેટલાક વાહનો પડી રહ્યા હતા. આથી પોલીસે વાહનોનું ચેકિંગ કર્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી. એવામાં પોલીસની નજર એક સફેદ કલરની એમ્બ્યુલન્સ ઉપર પડી હતી.
એમ્બ્યુલન્સ નજરે પડતાં પોલીસે એમ્બ્યુલન્સના દરવાજાના કાચમાંથી અંદર નજર કરી હતી પરંતુ કોઈ પેશન્ટ કે ડ્રાઈવર પણ મળી આવ્યો ન હતો. જોકે સ્ટ્રેચર ઉપર કપડું ઢાંકેલું જોવા મળ્યું હતું. બાદમાં એમ્બ્યુલન્સની તલાશી લેતા પાંછળના ભાગે દર્દીને બેસાડવાની સ્ટ્રેચર ઉપર ઢાંકેલ કપડું હટાવીને જોતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી કેમ કે સ્ટ્રેચર ઉપર દર્દીની જગ્યાએ દારૂની 13 પેટીઓ કપડાંની આડમાં સંતાડી રાખેલી હતી. જેનાં પગલે પોલીસે બિનવારસી એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરની શોધખોળ કરી હતી, પોલીસે દારૂની ગણતરી કરતા 68 હજારની કિંમતની વિદેશી દારૃની 156 બોટલો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આગળની જરૂરી કાર્યવાહી દારૂ અને એમ્બ્યુલન્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.