Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં રોજગારી કાયમ મોટો મુદો રહ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે, નેશનલ સ્તરની સરખામણીએ ગુજરાતનું શિક્ષણ ખાસ સ્ટાન્ડર્ડ નથી. જેને પરિણામે એવરેજ શિક્ષિતોની સંખ્યા મોટી જોવા મળે છે, જેઓ પાસે ખાસ કોઈ સ્કીલ હોતી નથી. આ પ્રકારના યુવક યુવતીઓ રોજગાર કચેરીઓમાં સામાન્ય રીતે નામો નોંધાવતા હોય છે અને તેઓને સામાન્ય નોકરીઓ મળતી પણ હોય છે. આંકડાકીય વિગતો એવી છે કે, જામનગર સહિત રાજ્યભરમાં રોજગાર કચેરીઓમાં નોંધાયેલા શિક્ષિત બેરોજગારોની પાછલાં પાંચ વર્ષની સંખ્યા 17.26 લાખ છે અને અર્ધશિક્ષિત બેરોજગારોની સંખ્યા 1.76 લાખ છે. સાથે સાથે આ પાછલાં પાંચ વર્ષ દરમિયાન ભરતીમેળાઓ પણ યોજાતાં રહ્યા છે અને લાખો યુવક યુવતીઓને નોકરીઓ મળી પણ છે.
બેરોજગારોને પ્લેસમેન્ટના આંકડા પણ જાહેર થયા છે. પાંચ વર્ષ દરમિયાન 15.11 લાખ નોકરી આ નોંધાયેલા બેરોજગારોને આપવામાં આવી છે. જેમાં 13.49 લાખ શિક્ષિત અને 1.62 લાખ અર્ધશિક્ષિત બેરોજગારોનો સમાવેશ થાય છે. સરકારની શિક્ષિત બેરોજગારની વ્યાખ્યા એવી છે કે, ધોરણ 10 પાસ કર્યું હોય અને બેરોજગાર હોય. અને અર્ધશિક્ષિત બેરોજગાર એટલે ધોરણ 10 પાસ ન કર્યું હોય અને બેરોજગાર હોય.
આ પ્રકારના તમામ બેરોજગારોને નોકરીઓ આપવા માટે ભરતીમેળાઓ યોજવામાં આવે છે. જેમાં ખાનગી કંપનીઓ ઉપસ્થિત રહે છે અને પોતાની જરૂરિયાત મુજબનાં ઉમેદવારોની નોકરીઓ માટે પસંદગી કરે છે. પાછલાં 3 વર્ષમાં નોંધાયેલા શિક્ષિત બેરોજગારની સંખ્યામાં 14 ટકાનો ઉછાળો નોંધાયો છે. પાંચ વર્ષ દરમિયાન કુલ 7,152 ભરતીમેળાઓ યોજાયા છે. જેમાં ધોરણ 10 પાસને વધુ નોકરીઓ મળી છે. ગ્રેજ્યુએટ બેરોજગારોને નોકરીઓ મળવાનું પ્રમાણ ઓછું રહ્યું છે. નોંધાયેલા બેરોજગારો પૈકી આશરે 51 ટકા ઉમેદવારોને નોકરીઓ મળી રહી છે. બાકીનાં 49 ટકા ઉમેદવાર નોકરીઓનાં ઇંતજારમાં રહે છે.