Mysamachar.in:ગાંધીનગર
જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આંખો આવવાનો ચેપી રોગ – કનજકટીવાઇટીસ- ઝડપભેર આગળ વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણે આ પ્રકારના કેસોની સંખ્યા વધી રહી છે. રોજ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જો કે આ રોગ ગંભીર નથી, તેથી ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ આ રોગથી બચવા સૌએ તકેદારીઓ લેવી જરૂરી છે જેથી આ રોગચાળાને વધુ ફેલાતો અટકાવી શકાય.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં આ રોગનાં અત્યાર સુધીમાં 2.47 લાખથી વધુ કેસો નોંધાયા છે. અને દૈનિક વધુ 13 થી 17 હજાર જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યા છે. જો કે ચિંતા નથી પરંતુ તકેદારી આવશ્યક છે. રાજ્યનાં દરેક જિલ્લામાં આંખનાં ટીપાં સહિતની જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લોકો તકેદારી રાખે અને આ રોગનાં નિવારણ માટે નિષ્ણાંતની સલાહ મુજબ જ સારવાર કરાવે. લોકોએ આંખના ટીપાં, ડોકટરને આંખો દેખાડયા વિના, જાતે લેવાનું ટાળવું જોઈએ એમ પણ આરોગ્યમંત્રીએ જણાવ્યું છે.
આ ઉપરાંત આરોગ્યમંત્રીએ જણાવ્યું છે કે, આંખો આવવાનાં રોગથી બચવા માટે રાજ્યનાં આરોગ્ય સતાવાળાઓ દ્વારા લોકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં લોકોને આ રોગ સામે રાખવાની થતી તકેદારીઓ અંગે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. તમામ લોકોએ આ એડવાઈઝરી મુજબ વર્તવું જોઈએ. અત્રે નોંધનીય છે કે, આ રોગનાં સૌથી વધુ 51,000 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જામનગરમાં આશરે 3,000 જેટલાં કેસ નોંધાઈ ચૂક્યા છે અને દરરોજ વધુ 225-250 જેટલાં કેસ નોંધાઈ રહ્યા છે. આ રોગનાં પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે જ લોકોએ જરૂરી સારવાર મેળવી લેવી જોઈએ જેથી રોગને આગળ વધતો અને પ્રસરતો અટકાવી શકાય. આ રોગ ચેપી હોવાથી લોકોએ આ રોગનો ફેલાવો અટકાવવા જરૂરી તકેદારીઓ રાખવી જોઈએ.