Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં લાખો ઉદ્યોગકારો માટે સારાં સમાચાર છે. સરકાર રાજ્યમાં ઉદ્યોગોને વધુ વાઈબ્રન્ટ મોડમાં લઈ જવા ઈચ્છતી હોય, આગામી દિવસોમાં રાજ્યભરમાં ઉદ્યોગોને હાલ કરતાં ઓછાં ભાવે કરોડો સ્ક્વેર ફૂટ જમીનો ઉપલબ્ધ થાય, તે માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આગામી જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ યોજાવા જઈ રહી છે. તે અગાઉ સરકાર ઇચ્છે છે કે, ઉદ્યોગોનો વિકાસ ચરમસીમા તરફ આગળ વધે. અને એ માટે સરકાર સમક્ષ ઉદ્યોગો તરફથી જે રજૂઆતો થાય તેનાં પર વિશેષ ધ્યાન આપવું. સરકાર આ મુદ્દે કેટલાંક નીતિગત નિર્ણયો કરવા માટે પણ ખૂલ્લું મન ધરાવે છે, એવાં સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રતિનિધિઓ રાજ્યનાં ઉદ્યોગમંત્રીને મળ્યા. અને આ મુલાકાત નજીકનાં ભવિષ્યમાં ફળદાયી પુરવાર થશે, એવું હાલ સમજાઈ રહ્યું છે. સરકાર એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, વાઈબ્રન્ટ સમિટ પહેલાં ઉદ્યોગકારો – રોકાણકારો સરકાર પાસેથી શું ઈચ્છે છે ? કેવાં નિર્ણયો અને કેવી જાહેરાતો ઈચ્છે છે ? આ માટે સીધી અને આડકતરી રીતે સરકાર વિગતો એકત્ર કરી રહી છે, એમ અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે.
દરમિયાન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત થઈ છે કે, રાજ્યમાં ઔદ્યોગિક ગૃહોને બજારભાવને બદલે જંત્રીનાં દરો મુજબ સરકાર દ્વારા જમીનો ઉપલબ્ધ કરાવવામાં આવે. સૂત્રો કહે છે, આ મુદ્દે સરકાર નીતિગત નિર્ણય લઈ શકે છે. પોલિસીમાં અપેક્ષિત ફેરફાર આવી શકે છે. 31મી જૂલાઈએ ગુજરાત ચેમ્બરનાં પ્રમુખ અજય પટેલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળે રાજ્યનાં ઉદ્યોગમંત્રીની મુલાકાત લીધી.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સમક્ષ આ પ્રતિનિધિમંડળે રજૂઆત કરી હતી કે, રાજ્યમાં ઔદ્યોગિક ગૃહોને બજારભાવને બદલે જંત્રીનાં દરો મુજબ સરકાર દ્વારા જમીનો આપવામાં આવે. આ તકે પ્રતિનિધિમંડળ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા ઉદ્યોગકારોને જીઆઈડીસી બહારનાં વિસ્તારોમાં જે જમીનો આપવામાં આવે છે તે બજારભાવથી આપવામાં આવે છે, તેથી મોંઘી પડી છે. જેને કારણે ઔદ્યોગિક ઉત્પાદનોની પડતર ઉંચી જાય છે. કારણકે રોકાણ અને વ્યાજખર્ચ વધી જાય છે. આ જમીનો જંત્રીના દરોથી આપવામાં આવે.
ઉદ્યોગમંત્રી સાથેની આ મુલાકાત સમયે મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના મુખ્ય અધિક સચિવ એસ.જે.હૈદર તથા રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક બાદ ઉદ્યોગમંત્રીએ આ તમામ વિગતો મુખ્યમંત્રી સમક્ષ મૂકી છે. જેથી સમજાઈ રહ્યું છે કે, આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા ગમે ત્યારે નીતિગત નિર્ણયની જાહેરાત થઈ શકે છે. જો એમ થશે તો, રાજ્યનાં સેંકડો ઉદ્યોગકારોને તોતિંગ લોટરી લાગી શકે છે. આ રજૂઆતને પગલે એક મુદ્દો આપોઆપ સ્પષ્ટ થયો હતો કે, આ પ્રકારના વિસ્તારોમાં જંત્રીનાં દરો લોજિકલ નથી ! બજારભાવ કરતાં નીચાં છે. આ વિસ્તારોમાં હાલમાં જે ખાનગી જમીનોના સોદા જંત્રીના દરોથી પડી રહ્યા છે તેમાં સરકારની આવકને કેટલું સહન કરવું પડતું હશે ?! એ મુદ્દો પણ વિચારણીય લેખાવી શકાય.