Mysamachar.in:ગાંધીનગર
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સ સહિતનાં સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના નેટવર્કિંગ અને ઈન્ટરલીન્કીગને કારણે સમગ્ર સોશિયલ મીડિયા એક અર્થમાં ખૂબ જ અળવીતરું અને સેક્સ એક્સપ્લોટેશનનું તોતિંગ માધ્યમ બની ચૂક્યું છે, જેની ભારત જેવા દેશોમાં મોટી અને માઠી અસરો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ગુનાહિત માનસ ધરાવતાં લાખો લોકો સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સંખ્યાબંધ લોકો ન્યૂડ વીડિયોકોલ સહિતનાં સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. સમાજમાં આબરૂ જવાની બીકે સંખ્યાબંધ કિસ્સાઓ તો બહાર પણ નથી આવતાં. હકીકતમાં આ દૂષણ બહુ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે.
ન્યૂડ વીડિયોકો અંગે લગભગ મોટાભાગના લોકો આછીપાતળી જાણકારી ધરાવે છે. કેમ કે, રાતદિવસ સતત ચોવીસ કલાક આ પ્રકારના ગુનાખોરો પોતાની જાળ વિકસાવી રહ્યા છે અને હજારો લોકોને શિકાર પણ બનાવી રહ્યા છે. ભારત જેવા ઓછાં શિક્ષિત અને વધુ વસતિ ધરાવતા દેશમાં સ્વાભાવિક રીતે જ, સોશિયલ મીડિયાનો દુરૂપયોગ મોટાં પ્રમાણમાં થતો જોવા મળી રહ્યો છે. ગુનાખોરોની સંખ્યા પણ તોતિંગ હોવાને કારણે ‘ ખંડણી ‘ ની કુલ રકમ પણ કરોડોની થતી જોવા મળી રહી છે.
રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુદે આ મુદ્દે બોલવું પડ્યું છે તેનાં પરથી ખ્યાલ આવે છે કે, ગુજરાતમાં પણ આ દૂષણ વ્યાપક છે અને સરકાર ચિંતિત છે. મંત્રીએ જણાવ્યું છે કે, ન્યૂડ વીડિયોકોલ આવે અને જાણતાં કે અજાણતાં આ કોલ રિસિવ થઈ જાય તો પણ ચિંતા નહીં કરવાની. સમાજમાં સૌ આ પ્રકારના ગુનેગારો અંગે જાણે છે. આ મુદ્દે જાગૃતિ દાખવવા આ પ્રકારના વીડિયોકોલ રિસિવ થઈ જાય તેવાં કિસ્સાઓમાં જરા પણ ગભરાયા વિના કે સંકોચ રાખ્યા વગર નજીકનાં પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધો અને ફરિયાદ નોંધાવો. જેથી કરીને આ પ્રકારના તત્વોને જેર કરી શકાય, પાઠ ભણાવી શકાય. આ પ્રકારના તત્વો વિરુદ્ધની સરકારની ઝુંબેશને લોકોએ આગળ આવી સહયોગ આપવો જરૂરી છે. તો જ આ દૂષણને ડામી શકાશે, ઓછું કરી શકાશે.
અત્રે નોંધનીય છે કે, ઘણાં બધાં લોકો આ પ્રકારના રેકેટનો ભોગ બનતાં હોય છે. પરંતુ સમાજમાં આ મુદ્દાની ચર્ચામાં પોતાનું નામ સંકળાઈ ન જાય તે બીકે અસંખ્ય મામલાઓ દબાઈ જતાં હોય છે કારણ કે ભોગ બનતાં લોકો આ વાત છૂપાવતા હોય છે. જેને કારણે આ પ્રકારના રેકેટ ચલાવતાં શખ્સો લાંબા સમય સુધી કાયદાની પક્કડથી દૂર રહેવામાં સફળ થતાં હોય છે. આવું ન થાય અને આ ગુનેગારો શક્ય એટલી ઝડપે કાયદાની પક્કડમાં આવી શકે તે માટે લોકોએ જાગૃતિ દેખાડી આવા કિસ્સાઓમાં શક્ય તેટલું વહેલું સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી, વિધિવત્ રીતે પોલીસને આ બધી જ જાણકારીઓ આપવી જોઈએ.