Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર, ડેવલપર અને પ્રમોટર તેમજ મકાન કે મિલ્કત ખરીદનારાઓ વચ્ચે વિવાદો ન થાય, વિવાદોનું નિરાકરણ થાય અને આ સમગ્ર ક્ષેત્ર પર સરકારનું નિયંત્રણ રહે તે માટે રાજ્યમાં ‘રેરા’ ની રચના કરવામાં આવી છે. જો કે આ સંસ્થા પ્રત્યે ખાસ કોઈ ગંભીરતા, રાજ્યમાં ક્યાંય પણ જોવા મળતી નથી ! આ સંસ્થાનાં ચેરમેન અને સભ્યોનાં પદો લાંબા સમય સુધી ખાલી રહેતાં હોય છે ! અથવા, રાખવામાં આવતાં હોય છે !
ઘણાં સમય પહેલાં ‘રેરા’નાં ચેરમેન અમરજિતસિંહનો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારથી આ પદ ખાલી હતું. હવે આ પદ પર નિવૃત મહિલા આઈએએસ અનિતા કરવાલની ચેરપર્સન તરીકે નિયુક્તિ થઈ છે. તેઓ અગાઉ અમદાવાદનાં કલેકટર તરીકે ફરજો બજાવી ચૂક્યા છે. તેઓ મૂળ પંજાબનાં છે અને 1988ની બેચના ગુજરાત કેડરના આઈએએસ છે. હાલમાં તેઓ નિવૃત્ત છે પરંતુ તેઓને દિલ્હીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશનનાં ચેરપર્સનની જવાબદારી સોંપાયેલી છે. તેઓ ‘રેરા’ ચેરપર્સનની જવાબદારી પણ સંભાળશે.
રાજ્યનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેઓની આ નવી નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ અગાઉ રાજ્યનાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. તેઓ SPIPAમાં પણ હતાં. ભૂતકાળમાં તેઓ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અને વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે.