Mysamachar.in:ગાંધીનગર
રાજ્યમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને જિલ્લાઓના વહીવટીતંત્ર તથા પોલીસતંત્રમાં તથા રાજયકક્ષાએ બદલીઓ માટેની પ્રક્રિયા અને સાથેસાથે ‘ખેલ’ પણ ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યનાં પોલીસવડાએ બદલીઓ અંગે અધીકારીઓને સમજણ આપવા એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેને કારણે કહીં ખુશી કહીં ગમ જેવો ઘાટ થયો છે.
પોલીસ વિભાગમાં ઘણાં અધિકારીઓ ખાસ શાખામાં ગોઠવાઈ જવાની કુનેહ ધરાવતાં હોય છે. ઘણાં અધિકારીઓ વતન કવર કરી લેતાં હોય છે. અને આ બધાં ટાર્ગેટ પાર પાડવા ઘણી બધી ભલામણો થતી હોય છે. ઘણાં પ્રકારના જેક નો પણ ઉપયોગ થતો હોય છે. ઘણી બદલીઓ રહસ્યમય રીતે, રાતોરાત પણ થઈ જતી હોય છે ! આ પ્રકારના વાતાવરણમાં ડીજીપીનો બદલીઓ અંગેનો પરિપત્ર ઘણાં અધિકારીઓને નારાજ પણ કરી શકે છે. ઘણાં અધિકારીઓને નવાં વાતાવરણમાં કામ કરવાની તક પણ મળશે.
પરિપત્ર કહે છે : લોકસભા ચૂંટણી પૂર્વે ઘણી બદલીઓ થતી હોય છે. ઘણાં અધિકારીઓએ વતન છોડવું પડતું હોય છે. આથી આવા અધિકારીઓએ વતનમાં જવા ડિમાન્ડ ન કરવી જોઈએ. આ ઉપરાંત ઘણાં અધિકારીઓ વિભાગમાં ચોક્કસ શાખાઓ માંગતા હોય છે. તેઓએ એમ ન કરવું જોઈએ. પોલીસની તમામ શાખાઓમાં તમામ અધિકારીઓને ક્રમશઃ કામ કરવાની તક અને અનુભવ મળે તે જરૂરી હોય છે.
ઘણાં સિનિયર પોલીસ અધિકારીઓ અમુક પીએસઆઇ કે અમુક પીઆઈ પોતાની ટીમમાં રહે એ માટે પોલીસ વિભાગમાં ડિમાન્ડ ઓર્ડર કરવા પ્રયાસ કરતાં હોય છે. રાજ્યનાં પોલીસવડાએ આ પ્રકારની બદલીઓ ન આપવા નિર્ણય લીધો છે અને જાહેર કર્યું છે કે, સિનિયર પોલીસ અધિકારીઓ સાથે કામ કરવાની સૌને એટલે કે તમામ પીએસઆઇ અને તમામ પીઆઈ ને તક મળે તે જરૂરી હોય છે. આ પરિપત્રને કારણે પોલીસ વિભાગમાં કહીં ખુશી કહીં ગમની સ્થિતિ જોવા મળી રહી છે.