Mysamachar.in:ગાંધીનગર
રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની 1,900 ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા અંતર્ગત શાળા ફાળવણી જાહેર કરવામાં આવી છે. હવે આગામી 27 જૂલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન આ ખાલી જગ્યાઓ પર આચાર્યોની ભરતી માટે ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવશે. રાજ્યનાં શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓનાં શિક્ષણ અધિકારીઓને આ અંગે સૂચનાઓ આપી દીધી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ટરવ્યુ માટે સૌપ્રથમ શાળા પસંદગી સમિતિની રચના કરવાની રહેશે. ત્યારબાદ કેમ્પ પદ્ધતિથી એક જ સ્થળે ઈન્ટરવ્યુ ગોઠવવાના રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ નિમણૂંકના હુકમો આપવાની કાર્યવાહી કરવાની રહેશે.
આચાર્યોની ભરતી માટેની રાજ્યકક્ષાની પસંદગી સમિતિએ શાળા ફાળવણી અંગેની તમામ વિગતો જિલ્લા શિક્ષણાધિકારીઓને અગાઉ ઈ-મેઈલ મારફતે મોકલી આપી છે. આ માટેનાં જાહેરનામાની જોગવાઈઓ અનુસાર, ઈન્ટરવ્યુ, ઉમેદવારોની પસંદગી અને નિમણૂંક માટેની કાર્યવાહીઓ જિલ્લા કક્ષાની શાળા પસંદગી સમિતિએ કરવાની રહેશે. આ સમિતિની રચના માટે શિક્ષણ વિભાગનાં 2017નાં જાહેરનામાને અનુસરવાની સૂચના આપવામાં આવી છે.
ઈન્ટરવ્યુની પ્રક્રિયા સત્વરે કરી શકાય તે માટે જિલ્લામાં કામ કરી રહેલાં શિક્ષણ નિરીક્ષકોને સમાવી મહત્તમ પસંદગી સમિતિઓની રચના કરવાની રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શક્ય તેટલી વધુમાં વધુ પસંદગી સમિતિમાં કાર્યરત રહી, મહત્તમ ઈન્ટરવ્યુની વ્યવસ્થા કરવાની રહેશે. જિલ્લા કક્ષાના બધાં જ ઈન્ટરવ્યુ કેમ્પ પદ્ધતિ મુજબ એક જ સ્થળે ગોઠવવાના રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા મંડળનાં પરામર્શમાં રહી 27 જૂલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન બધાં જ ઈન્ટરવ્યુ લેવાઈ જાય તે રીતે તારીખો નિયત કરવાની રહેશે.