Mysamachar.in:ગાંધીનગર
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રાજયનો મહેસૂલ વિભાગ દાયકાઓથી કલંકિત છે. આ વિભાગને કારણે લોકો અત્યાર સુધીની સરકારોને પણ શંકાની નજરથી જોઈ રહ્યા છે. રાજ્યનાં મૃદુ પરંતુ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સ્થિતિ ચલાવી લેવાનાં મૂડમાં નથી એવું છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળી રહ્યું છે. તેઓએ આ વિભાગ પોતાના હસ્તક જ રાખ્યો છે અને તાજેતરમાં આ વિભાગમાં નવા સચિવની નિયુક્તિ કરી તેઓએ આ વિભાગમાં વ્યવસ્થિત સાફસફાઈ શરૂ કરી છે જેને પરિણામે રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં ગભરાટ ફેલાયો છે. મુખ્યમંત્રીએ સંકેત આપ્યો છે કે, તલાટીથી માંડીને કલેકટર સુધીના અધિકારીઓએ સુધરી જવું પડશે. અત્યાર સુધી બહુ લાલિયાવાડી ચાલી !
સૌ જાણે છે એમ મહેસૂલ વિભાગનાં લગભગ ટેબલ પર ખાસ કરીને જમીનની ફાઈલો બહુ ધીમી ગતિએ આગળ વધતી હોય છે. સરકાર જાણે છે કે, જમીનની ફાઈલો ચોક્કસ હેતુઓને કારણે ઓછી સ્પીડ ધરાવતી હોય છે જેને કારણે અરજદારો તો પરેશાન થાય જ છે, ઉપરાંત સરકારનાં ખાતામાં અપજશ ઉમેરાતો રહે છે. ગુજરાત સરકારે રાજ્યનાં 100 થી વધુ ડેપ્યુટી સેકશન અધિકારીઓ અને તલાટીઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. રાજ્યનાં મહેસૂલ વિભાગે કલેકટરોને સૂચનાઓ આપી છે કે, ફાઈલો અટવાવી ન જોઈએ. જો ફાઈલો નિર્ધારિત સમયમાં આગળ વધવામાં ઢીલ થશે તો, સંબંધિતોના જવાબો માંગવામાં આવશે. આ સૂચનાને કારણે સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મચારીઓ ચોમાસાની ઋતુમાં પણ કરંટથી ધ્રૂજી ગયા છે.
એવું નથી કે, જિલ્લામાં જ આ સ્થિતિ છે. સચિવાલય ખાતે પણ આવું જ છે. છેલ્લાં સાતેક મહિનાથી રાજ્યભરમાં તમામ કક્ષાએ જમીનોની ફાઈલોનાં ઢગલાં જોવા મળે છે ! નિર્ણયો લેવામાં આવતાં નથી. આ અંગેની ફરિયાદો અને રજૂઆતો ફરતી ફરતી છેક મુખ્યમંત્રી સુધી પહોંચી ! આ ફાઈલોમાં ખાનગી અને સામાન્ય જમીનોથી માંડીને વિવિધ પ્રોજેક્ટસ અને પ્રીમિયમની ફાઈલોનો સમાવેશ થાય છે. સરકારે એમ પણ કહ્યું છે કે, જે ફાઈલોમાં કવેરી હોય તે અંગેની જાણ સંબંધિત વિભાગોને કરો. ઝડપથી નિર્ણય લ્યો.
આ રીતે જેઓ ઈરાદાપૂર્વક ફાઈલો રોકી રહ્યા છે તેવાં 100 જેટલાં ડેપ્યુટી સેકશન અધિકારીઓથી માંડીને તલાટીઓ સુધીનાં કર્મચારીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે અને ખુલાસાઓ પૂછવામાં આવ્યા છે.