Mysamachar.in:ગાંધીનગર
ખાનગી શાળાઓમાં ફીની આવક જ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. આ પ્રકારની સ્થિતિમાં જ્યારે કેટલાંક વાલીઓ શાળાને ફી આપવા ઈન્કાર કરે છે ત્યારે શાળાઓએ નુકસાન સહન કરવું પડતું હોય, ફી મુદ્દે શાળાઓને રક્ષણ મળવું જોઈએ એવી માંગણી શાળા સંચાલકોએ સમક્ષ રજૂ કરી છે. ખાનગી શાળાઓનાં સંચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, શાળાઓને ફીની વસૂલાત મુદ્દે કાયદાકીય રક્ષણ મળવું જરૂરી છે. અથવા, આ સંબંધે સરકારે ખાનગી શાળાઓને કોઈ માર્ગદર્શન આપવું જોઈએ એવું સંચાલકોએ સરકારને રજૂઆતમાં જણાવ્યું છે.
શાળા સંચાલકોએ શિક્ષણમંત્રી સમક્ષ જણાવ્યું છે કે, અમુક વાલીઓ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં ફી જમા કરાવતાં નથી ! એમ પણ રજૂઆત કરી છે કે, અમુક વાલીઓ વર્ષ દરમિયાન ફી ન ભર્યા પછી, ઝઘડો કરીને શાળામાંથી પોતાના સંતાનોના પરિણામો પણ લઈ જાય છે. આ પ્રકારના કિસ્સાઓમાં શાળાઓને રક્ષણ મળવું જોઈએ. શાળા સંચાલકોએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, શાળા સંચાલકોએ શિક્ષકોનાં પગારો ઉપરાંત પણ ઘણાં પ્રકારના ખર્ચ કરવાનાં હોય છે. અને ફી ની આવક જ શાળાઓની આવકનો મુખ્ય અને ઘણાં કિસ્સાઓમાં એક માત્ર સ્ત્રોત હોય છે. આથી ફી મેળવવા બાબતે સરકારે ખાનગી શાળાઓને કાયદાકીય રક્ષણ આપવું જોઈએ.
શાળા સંચાલકોએ એમ પણ જણાવ્યું છે કે, હાલ મોટાભાગની શાળાઓ ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી કરતાં પણ ઓછી ફી વસૂલે છે. માંડ દસેક ટકા શાળાઓ એવી છે જે નિર્ધારિત ફી કરતાં વધુ ફી વસૂલે છે. તેની સામે શાળાઓએ વર્ષ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરવાનાં હોય છે. શિક્ષણમંત્રી સમક્ષ આ રજૂઆતમાં વિસ્તૃત ભલામણો કરવામાં આવી છે.