Mysamachar.in:ગાંધીનગર
રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રમોટર્સ એટલી હદે હોંશિયાર હોય છે કે, બધાંય હાથમાં લાડુ રાખતાં હોય છે ! તેઓ પોતાના પ્રોજેક્ટનાં ફલેટમાલિકો અને કોમર્શિયલ પ્રોપર્ટીનાં માલિકોનો ‘રૂપિયો’ પણ જરૂરિયાત મુજબ પોતાના ધંધામાં સરકયુલેટ કરી લેવાની તકો ઝડપી લેતાં હોય છે ! તાજેતરમાં આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચામાં આવ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં લાખો ફલેટમાલિકો અને કોમર્શિયલ પ્રોપર્ટીનાં માલિકો એવાં છે જેઓએ બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રમોટર્સને ડિપોઝિટ પેટે નાણાં આપ્યા હોય છે, રાજ્યનો હિસાબ કરો તો આ આંકડો કરોડોને પાર હોય છે. આ નાણું ખરેખર તો બિલ્ડરોએ સમયસર ફલેટમાલિકો અને કોમર્શિયલ પ્રોપર્ટીનાં માલિકોને પરત આપવાનું હોય છે પરંતુ તેમાં બિલ્ડરો લાંબા સમય સુધી ઠાગાઠૈયા કરતાં હોય છે. અને બિચારાં ફલેટમાલિકો અને કોમર્શિયલ પ્રોપર્ટીનાં માલિકો ઉઘરાણી કરતાં રહે છે.
ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)નાં ટોચનાં એક અધિકારી કહે છે : સોસાયટીનાં સભાસદો પાસેથી મેળવવામાં આવેલું મેન્ટેનન્સ ફંડ પ્રોજેક્ટની કોમન એમેનિટીઝ માટે હોવાથી બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રમોટર્સ આ રકમનાં માત્ર ટ્રસ્ટી છે, માલિકો નથી. આમ છતાં આ બાબતેની હજારો ફરિયાદો ઓથોરિટીને મળી રહી છે. ડિપોઝિટની આ રકમો કે તેનાં પરનું વ્યાજ ફલેટમાલિકો અને કોમર્શિયલ પ્રોપર્ટીનાં માલિકોને બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રમોટર્સ દ્વારા ચૂકવવામાં આવતાં નથી, જે અંગે સૌથી વધુ ફરિયાદો મળી રહી છે. આ રકમો ખરેખર તો બિલ્ડરોએ સભાસદોના એસોસિએશનને સોંપી આપવાની હોય છે. આ સંબંધે બહુ ફરિયાદો છે.
‘રેરા’નાં નિયમ નં. 9 અનુસાર, મોડેલ એગ્રીમેન્ટ ફોર સેલમાં જણાવાયું છે કે – પ્રોપર્ટીને BU પરમિશન મળ્યા પછી જ પ્રમોટર્સને મેન્ટેનન્સ ફંડ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. કોઈ પણ પ્રોજેક્ટ સંપૂર્ણ પૂરો ન થાય ત્યાં સુધી કોમન એમેનિટીઝ અને સર્વિસીઝની જાળવણી કરવાની ફરજ પ્રમોટર્સની છે. BU પરમિશન મળ્યા પછી, કોમન સર્વિસીઝ અને નિભાવની કલમ નં. 11(4)(a) પ્રમાણે, વાજબી ખર્ચ કરી શકાય છે. વધુ ખર્ચ કરી શકાતો નથી. આ ખર્ચ પ્રોજેક્ટનાં સભાસદોની સહમતીથી જ નક્કી કરવાનો હોય છે. BU પરમિશન મળ્યા પહેલાં બિલ્ડરે ફંડની રકમમાંથી કોઈ ખર્ચ આ માટે કર્યો હોય તો, બિલ્ડર્સ, ડેવલપર્સ અથવા પ્રમોટર્સએ ખર્ચની આ રકમ, આ ફંડમાં વ્યાજ સાથે પૂરેપૂરી જમા કરાવવાની હોય છે.
BU પરમિશન મળ્યા પછી ત્રણ મહિનાની અંદર, કોમન એરિયાની તબદિલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રોજેક્ટનાં મુખ્ય પ્રમોટર્સને તથા ઓથોરિટીને આ અંગે જાણ કરવાની હોય છે. મેન્ટેનન્સ ડિપોઝિટની કુલ અથવા આંશિક રકમ બાંધકામ અંગેનાં ખર્ચ સ્વરૂપે મેળવવામાં આવેલી રકમ નહીં ગણાય, અને તે રકમ ભવિષ્યમાં સોસાયટીનાં સભાસદો દ્વારા સંચાલિત થઈ શકે તેવાં અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત ‘રેરા’એ કહ્યું છે – મેન્ટેનન્સ ડિપોઝિટની રકમ રોકડેથી સ્વીકારી શકાશે નહીં, આ રકમ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમથી મેળવી અલગ બેન્ક ખાતાંમાં જમા લેવાની રહેશે. અને ભવિષ્યમાં વિવાદ ન થાય તે માટે સભાસદોને આ રકમની કાયદેસરની રસીદ આપવાની રહેશે. આ રસીદ દરેક સભાસદને આપવાની રહેશે. આ રકમ પરનું બેંકમાં મળતું વ્યાજ સભાસદોનું કોર્પસ ફંડ લેખાશે. બિલ્ડર્સ તે વ્યાજ સભાસદોને ન આપવાનો વિચાર કરી શકે નહીં.
આ સાથે ‘રેરા’એ જણાવ્યું છે : ડેવલપર્સ કે બિલ્ડર્સએ સભાસદોના બનેલા એસોસિએશનને પ્રોજેક્ટની કોમન એમેનિટીઝની સોંપણી સમયે ઓડિટ કરેલાં હિસાબો સાથેની સોંપણી કરવાની રહેશે. ભંડોળની રકમ સોસાયટીનાં બેન્ક ખાતાંમાં તરત જમા કરાવવાની રહેશે.