Mysamachar.in:ગાંધીનગર
તાજેતરમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારે શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન પરંપરા મુજબ, રાજ્યભરમાં IAS અધીકારીઓને જુદાં જુદાં જિલ્લાઓમાં શિક્ષણની સ્થિતિ ચકાસવા મોકલવામાં આવ્યા હતાં. શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ સમીક્ષા બેઠક યોજી. આ સમીક્ષા બેઠકમાં શું બન્યું ? તે જાણવું રસપ્રદ છે. મુખ્યમંત્રીએ રથયાત્રાનાં બીજાં દિવસે આ સમીક્ષા બેઠક યોજી હતી. સ્વર્ણિમ સંકુલ-1નાં સાબરમતી હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખાણખનિજ કમિશનર, CMOનાં જુનિયર યુવા અધિકારીઓ અને સચિવાલયના અલગ અલગ કેડરના સચિવોએ મુખ્યમંત્રી સમક્ષ જુદાં જુદાં પ્રકારનાં ફિડબેક શાળા પ્રવેશોત્સવ અંગે આપ્યા. જેમાં કેટલીક જમીની હકીકતો પણ બહાર આવી.
આ સમીક્ષા બેઠકમાં કેટલાંક IAS અધિકારીઓએ પોતાની સ્ટાઈલ મુજબ, સરકારની પ્રશંસાઓ શરૂ કરતાં ચતુર મુખ્યમંત્રી સ્થિતિ પામી ગયા. મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને સ્પષ્ટ કહ્યું : આપણે અહીં ગુણગાન ગાવા એકઠાં નથી થયાં. શિક્ષણની સાચી સ્થિતિ જણાવો. સારી વાતો નથી સાંભળવી. મુખ્યમંત્રીએ આ સૂચના આપતાં જ અધિકારીઓએ, રાજ્યનાં શિક્ષણનો સટીક એકસ-રે બેઠકમાં રજૂ કરી દીધો ! અને, બેઠકમાં સન્નાટો વ્યાપી ગયો. અંતે, આભારવિધિ મુખ્ય સચિવે કરવી પડી.
દરમિયાન, જાણવા જેવી એક હકીકત એ બહાર આવી છે કે – રાજ્યનાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગનાં કમિશનર ધવલ પટેલએ, પોતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં શું જોયું ? તે અંગે રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ વિભાગનાં સચિવને એક પત્ર લખ્યો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, સમગ્ર રાજ્યમાં શિક્ષણ સંબંધિત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સરકારનાં ખુદ પ્રવક્તા મંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી છે.
IAS ધવલ પટેલએ પત્રમાં જણાવ્યું છે કે : છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર નીચું છે. ધોરણ 8 માં ભણતાં વિદ્યાર્થીઓ પણ ગુજરાતી છૂટક છૂટક વાંચે છે. તેઓને સરવાળા કરતાં પણ ફાવતું નથી. પાંચ પૈકી માત્ર એક જ શાળાનાં વિદ્યાર્થીઓ કાંઈક સરખાં જવાબો આપી શકયા છે. આ ગરીબ આદિવાસી પરિવારનાં બાળકો માટે શિક્ષણનો અન્ય કોઈ વિકલ્પ નથી. આપણે એમને સડેલું શિક્ષણ આપી અન્યાય કરી રહ્યા છીએ. તેઓ પેઢી દર પેઢી મોટાં થઈ મજૂરી જ કરતાં રહે અને આગળ ન વધે, તે આપણે સુનિશ્ચિત કર્યું છે !
આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, વાલીઓ શાળાના શિક્ષકો પર આંધળો વિશ્વાસ મૂકે અને આપણે તેમની સાથે છળ કરીએ, એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. ભૌતિક સગવડો અને પૂરતાં શિક્ષકો છતાં શાળાઓની હાલત આ છે. આ સનદી અધિકારીએ લખ્યું છે: ધોરણ આઠના વિદ્યાર્થીઓ સરખી રીતે વાંચી શકતાં નથી. શાળાકીય કસોટીમાં સામૂહિક ચોરી થાય છે. ‘દિવસ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ બાળકોને ખ્યાલ નથી. ધોરણ આઠની છાત્રા ભારતનાં નકશામાં હિમાલય કે ગુજરાત ક્યાં છે ? તે પણ દેખાડી શકી નથી ! ધોરણ પાંચના બાળકો બાદબાકી કરી શકતાં નથી. ધોરણ ચારની એક બાળકીને સાદો સરવાળો કરવા કહેવામાં આવ્યું, તેને સરવાળો આવડતો ન હોય તે રડવા લાગી હતી !
અધિકારીનાં આ પત્ર પછી, સરકારે સ્પષ્ટતા કરી કે…..
ખાણ ખનિજ કમિશનરનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજ્યમાં દોડધામ મચી. સરકાર વતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ સ્પષ્ટતા કરવી પડી હતી. તેઓએ જણાવ્યું છે કે, સરકાર પાસે શાળા પ્રવેશોત્સવનાં ફિડબેક પહોંચ્યા છે. રાજ્યમાં જ્યાં પણ શિક્ષણમાં જે કાંઈ ક્ષતિઓ રહી હોય, ધ્યાન પર આવી હોય, તે ખામીઓ દૂર કરવા મુખ્યમંત્રી દ્વારા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યનાં દરેક જિલ્લામાં, દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે અને તે માટે જે કાંઈ જરૂરી પગલાંઓ હોય, આ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.