Mysamachar.in:ગાંધીનગર
સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં કુશળ અને ઉત્તમ અધિકારીઓ ફરજો બજાવે છે તેઓએ હવે ચોક્કસ પ્રકારના જિલ્લાઓમાં નોકરી કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, સરકાર દ્વારા નિયુક્તિ અને બદલીઓ તથા બઢતીના કિસ્સાઓમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગે ઠરાવ દ્વારા જાહેર કર્યું છે કે, રાજ્યભરમાંથી કુશળ અને ઉત્તમ અધિકારીઓને શોધી કાઢવામાં આવશે. આ પ્રકારના અધિકારીઓની ક્ષમતાનો લોકોને લાભ મળે તે માટે આ ક્વોલિટી અધિકારીઓને ST, પછાત અને સરહદી જિલ્લાઓમાં નિયુક્ત કરવામાં આવશે. સીધી ભરતીના અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડશે.
સામાન્ય વહીવટ વિભાગનાં ડેપ્યુટી સેક્રેટરી તેજસ સોનીની સહીથી જાહેર કરવામાં આવેલાં આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના અધિકારીઓની બદલીઓ અને નિયુક્તિ આ પ્રકારના જરૂરિયાતવાળા જિલ્લાઓમાં કરવામાં આવશે. આ નિયમ રાજ્યસરકારનાં તમામ વિભાગોને લાગુ પડશે. આ નિયમ હેઠળ જે કુશળ અને ઉત્તમ અધિકારીઓની બદલીઓ થશે તે અધિકારીઓએ સળંગ ત્રણ વર્ષ સુધી જેતે વિસ્તારમાં, તે ગ્રામ્ય વિસ્તાર હશે તો પણ, ફરજો બજાવવાની રહેશે.
-ઠરાવનો અસરકારક અમલ કરાવી શકાશે ?!
જાણકારોનાં મતે, રાજયનો સામાન્ય વહીવટ વિભાગ નિયુક્તિ, બદલીઓ અને બઢતીઓ માટે આ પ્રકારના માર્ગદર્શક સિદ્ધાંતો ઓલરેડી ધરાવે જ છે. પરંતુ હકીકતમાં આ સિદ્ધાંતોનો અમલ ભેદભાવપૂર્ણ રીતે થતો હોય છે એવી ચર્ચાઓ અને રજૂઆતો સમયાંતરે થતી રહેતી હોય છે ! આ ઉપરાંત બદલીઓમાં અને બઢતીઓમાં અન્ય ઘણાં ‘ફેકટર’ પણ ભાગ ભજવતાં હોવાની ચર્ચાઓ વચ્ચે, સામાન્ય વહીવટ વિભાગના આ નવા ઠરાવનો અસરકારક અને તટસ્થ અમલ ખુદ તંત્રો કરાવી શકશે ?! એ પ્રશ્ન પણ અત્રે ઉલ્લેખનીય છે.