Mysamachar.in:ગાંધીનગર
સરકાર અને લોકો વચ્ચે તથા વિવિધ સરકારી વિભાગો તેમજ સંસ્થાઓ અને સરકારો વચ્ચે વિવિધ પ્રકારના લાખો કાનૂની વિવાદો, જુદીજુદી સેંકડો અદાલતોમાં ચાલતાં હોય છે. આ પ્રકારના ઘણાં કિસ્સાઓમાં સરકારો અદાલતમાં હારી જતી હોય છે જેને કારણે સરકારની પ્રતિષ્ઠાને તો ફટકો પડે જ છે, સાથે સરકારની ઝુંબેશને અસરો થાય છે અને સરકારોએ નાણાંકીય નુકસાન પણ સહન કરવા પડતાં હોય છે. આથી સરકાર આ પ્રકારના પરાજયોને ગંભીર લેખી રહી છે. ગંભીર પ્રકારની હારનું પોસ્ટમોર્ટમ થશે. આ હાર પાછળ સ્થાનિક પોલીસ અધિકારીઓ કે સરકારી વકીલો જવાબદાર છે કે કેમ ? તે પ્રશ્નનો જવાબ મેળવવા સરકારે કવાયત હાથ ધરી છે.
ન્યાયિક પ્રક્રિયાઓમાં વિવિધ તબક્કે કોર્ટમાં ચાલતાં ગંભીર કેસોમાં જ્યાં જ્યાં સરકારને હારનો સામનો કરવો પડે છે, તેવાં કિસ્સાઓમાં સ્થાનિક અથવા રાજ્યકક્ષાની પોલીસ તથા સરકારી વકીલની ભૂમિકાઓ શંમ રહી ? તે મુદ્દે કાયમી ધોરણે સમીક્ષા કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ સમીક્ષા માટે રાજ્ય સ્તરે તથા જિલ્લા સ્તરે કમિટીઓની રચના કરવામાં આવશે. આ કમિટીઓના રિપોર્ટના તથા ભલામણોના આધારે સંબંધિત પોલીસ અધિકારી અને સરકારી વકીલ વિરૂદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી શકાશે. ટૂંકમાં, પોલીસ અને સરકારી વકીલો હવે સરકારનાં રડારમાં રહેશે.
હકીકત એ છે કે, સર્વોચ્ચ અદાલતે જ્યાં સ્વયં સરકાર ફરિયાદી કે પક્ષકાર રહી હોય, અને આવા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોય, તેવા કેસોની સમીક્ષા કરી, ક્યાં ભૂલ થઈ છે ? તેની તપાસ કરવા , યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવવા અને જરૂરી નિર્દેશો આપવા વારંવાર સરકારને કહેવામાં આવ્યું હતું. જેનાં આધારે આવા કિસ્સાઓમાં જવાબદેહિતા નક્કી કરવા ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કાયદા વિભાગનાં કહેવા પ્રમાણે, જે કેસમાં સરકારનો પક્ષ નબળો રહ્યો હોય અને તેને કારણે પોકસો, હત્યા, બળાત્કાર, રૂ.25 કરોડથી વધુના માદક દ્રવ્ય, રૂ.10 કરોડથી વધુ રકમનાં આર્થિક ગુનાઓ વગેરે કેસોમાં અનેક આરોપીઓ નિર્દોષ છૂટી જતાં હોય છે ! સરકાર આ સ્થિતિ ચલાવી લેવા ઈચ્છતી નથી.
આ પ્રકારના ગંભીર કિસ્સાઓમાં તપાસનીસ પોલીસ અધિકારીઓ કે સરકારી વકીલોની ભૂમિકા શંકાસ્પદ છે કે કેમ ? તેની તપાસ અને સમીક્ષા થશે. આ કામ માટે CID ક્રાઈમ, રેલ્વે પોલીસ ચીફ, ડાયરેક્ટર ઓફ પ્રોસિકયુશન, ડેપ્યુટી ડાયરેકટર ઓફ પ્રોસિકયુશનની સ્ટેટ ટીમ બનાવવામાં આવશે. અને, જિલ્લા કક્ષાની સમીક્ષા કમિટીમાં મુખ્ય સરકારી વકીલ, DSP તથા SDM કક્ષાનાં અધિકારીઓનો સમાવેશ થશે. જેનાં અહેવાલોને આધારે સંબંધિત પોલીસ અધિકારી અને/અથવા સરકારી વકીલ વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાશે.