Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં એવી સેંકડો ખાનગી શાળાઓ હોય છે જે શાળાઓ પોતાની નજીકનાં ‘સરકારી’ પ્લોટને પોતાનાં સંકુલમાં ભેળવી દેતી હોય છે ! જનપ્રતિનિધિઓ તથા સરકારી બાબુઓ આવી શાળાઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતાં હોય છે. પરંતુ હવે આ મુદ્દો છેક ગાંધીનગર પહોંચ્યો છે, હવે તંત્રમાં સળવળાટ શરૂ થશે ! જે ખાનગી શાળાઓ દ્વારા સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોય, તે શાળાઓ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ ગાંધીનગરથી છૂટ્યો છે. જો કે આ આદેશનો જામનગર સહિતના શહેરોમાં કેવોક અમલ થાય છે, તે જોવું રસપ્રદ બની રહેશે. કારણ કે, સામાન્ય રીતે સ્થાનિક સ્તરે આ પ્રકારની બાબતો પ્રત્યે બહુ ઉહાપોહ મચતો હોતો નથી !
મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખેલાં મહેસૂલ વિભાગે, જામનગર સહિત રાજ્યભરમાં કલેકટરોને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવાયું છે કે, સંબંધિત જિલ્લામાં જે કોઈ ખાનગી શાળાઓએ પોતાની નજીકનાં ‘સરકારી’ પ્લોટ ઉપર દબાણ કર્યું હોય, એવી ખાનગી શાળાઓને શોધી કાઢવામાં આવે. આ પ્રકારની સરકારી જમીનો પરત મેળવવા કલેકટર તંત્રએ કાર્યવાહી કરવાની રહેશે. આ માટે ખાસ તપાસ ટૂકડી એટલે કે SIT ની રચના કરવાની રહેશે. આ પ્રકારના સરકારી પ્લોટનો કબજો કલેકટર કચેરીએ પરત મેળવવાનો રહેશે. આ માટે સંબંધિત ખાનગી શાળાઓ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ ફેબ્રુઆરી માસમાં રાજ્યનાં ઘણાં વાલીમંડળો દ્વારા આ પ્રકારના દબાણો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારને યાદ આવ્યું કે, 2022ની સાલમાં જૂલાઈ મહિનામાં સરકારે બે અલગ અલગ પરિપત્ર પ્રસિદ્ધ કર્યા હતા. તાજેતરમાં મહેસૂલ વિભાગનાં ઉપસચિવ નિલેશ મોદીની સહીથી આ અંગે તમામ કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, શાળાઓ દ્વારા સરકારી જમીનનાં શરત અને હેતુભંગનાં કિસ્સાઓની તપાસ કરી ખાનગી શાળાઓનો નવો કોમ્પ્યુટરાઈઝડ ડેટા તૈયાર કરવો. વાલીમંડળે એવી પણ માંગણી કરી છે કે, આવી શાળાઓનું રજિસ્ટ્રેશન તથા મંજૂરી સહિતની પ્રક્રિયાઓ અંગે નવેસરથી ડેટા તૈયાર કરવામાં આવે.
* જામનગરમાં શું થઈ શકે છે ?*
સામાન્ય નિયમ એવો છે કે, આ પ્રકારની દેખરેખ મામલતદાર કચેરી તથા સર્કલ ઇન્સ્પેકટર દ્વારા દર મહિને રાખવાની થતી હોય છે. દર મહિને રિપોર્ટ તૈયાર કરવાનાં હોય છે. મહાનગરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ પ્રકારની જમીનો સંબંધિત શાળાઓને ઘણાં કિસ્સાઓમાં શરતો સાથે આપતી હોય છે, પરંતુ પછી શરતભંગ થાય છે કે કેમ ?! તે અંગેની દરકાર ભાગ્યે જ લેવાતી હોય છે. હવે સરકારનો આદેશ આવ્યા પછી, જામનગર શહેરમાં શું થશે ? એ પ્રશ્નનો જવાબ રસપ્રદ બની રહેશે.