Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં લોકો એવાં હોય છે જેઓ લાંબા સમયથી કોર્પોરેશનને મિલકતવેરા સહિતનાં વેરાઓ અને ચાર્જીસની રકમો ચૂકવતાં હોતાં નથી. ઘણાં લોકો લાંબા સમયથી વીજબિલનાં નાણાં સહિતના સરકારી લેણાઓ પણ ચૂકવતાં હોતાં નથી. આ પ્રકારના લોકો આગામી સમયમાં મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તાજેતરમાં રાજય સરકારે ચિંતન શિબિર યોજી હતી. આ શિબિરમાં IAS અધિકારીઓનાં એક જૂથે સરકારને એવી ભલામણ કરી છે કે, રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરે કે વેચાણ કરે – ત્યારે તે બંને પક્ષોએ સરકારમાં એક એવું No Due પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ કે, તે વ્યક્તિઓ પર કોઈ પણ પ્રકારનો કરબોજ બાકી નથી.
ચિંતન શિબિરમાં ખાસ કરીને શહેરી વિકાસ સંબંધિત શાસનમાં સુધારાઓની ચર્ચા વખતે આ ભલામણ કરવામાં આવી હતી. ગત્ મહિને કેવડિયા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં આ ભલામણ કરવામાં આવી હતી. આ તમામ ભલામણો હાલ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં સરકાર કક્ષાએથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે વેરાઓ અને ચાર્જીસની વસૂલાતો બાકી છે તેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જો સરકાર IAS અધિકારીઓનાં આ જૂથની ભલામણો સ્વીકારી લેશે તો, કોઈ પણ વ્યક્તિએ મિલ્કતની લેવેચ સમયે આ પ્રકારનું “નો ડયૂ” પ્રમાણપત્ર રજૂ કરવું પડે એવી વ્યવસ્થા આગામી દિવસોમાં શરૂ થશે એમ માનવામાં આવે છે. નેતાઓ અને અધિકારીઓ આ ભલામણોને બાકી વેરા વસૂલાત માટે અમોઘ શસ્ત્ર માની રહ્યા છે.
-આ ઉપરાંત અધિકારીઓનાં આ જૂથે સરકારને એવી ભલામણ પણ કરી છે કે,
સરકારને સ્ટેમ્પ ડયુટીની જે આવકો થાય છે તેમાંથી અમુક ટકા રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવી જોઈએ. કેમ કે, આ સંસ્થાઓ શહેરોમાં જે સુવિધાઓ પૂરી પાડે છે તેને કારણે મિલ્કતોના ભાવોમાં વધારો થતો હોય છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, દરેક શહેરમાં મિલ્કતોની માપણી geographical information system થી થવી જરૂરી છે. તેનાં વડે દબાણોને પણ અલગ તારવી શકાય. જૂથે એવી પણ ભલામણ કરી છે કે, કોર્પોરેશન અથવા નગરપાલિકા જયારે પણ મિલકતધારકને બાંધકામ વપરાશ મંજૂરી (બિલ્ડીંગ યૂઝ પરમિશન) આપે તે જ દિવસથી મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સ સહિતના ચાર્જીસ માટેનાં બિલો આપવા જોઈએ.