Mysamachar.in:ગાંધીનગર
કેટલાક આઈપીએસ અધિકારીઓ એવા હોય છે જે પોતે બદલી પામે એટલે તેને જેની સાથે સરખેથી મેળ આવી ગયો હોય તેવા પોલીસ ઇન્સ્પેકટર કે પોલીસ સબ ઇન્સ્પેકટરને પોતાના બદલીના સ્થળે સાથે લઇ જતા હોય છે.પણ હવે આવી પ્રેક્ટીસ પર રોક આવશે કારણ કે રાજ્ય પોલીસવડા વિકાસ સહાએ આ બાબતને ખુબ ગંભીરતાથી લઈને પરિપત્ર જાહેર કર્યો છે, જેને કારણે કેટલાક પીએસઆઈ અને પી.આઈને ભોજન પણ કડવું લાગે તેવી સ્થિતિ બની છે.
સામાન્યતઃ કોઈ પણ IPS અધિકારીની જ્યારે પણ વહીવટીય સરળતા ખાતર બદલી થાય છે ત્યાર બાદ પોતાના ચુનિંદા નજીક હોય તેવા પી આઈ કે પીએસઆઈ કે જે અગાઉ તેમની સાથે કામગીરી કરી ચૂક્યા છે, તેમની પણ બદલી પોતાની પાસે કરાવે છે. આ જ પ્રકારે પોતાની અંગત ભલામણ કે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ અપનાવી ઉપરી અધિકારીઓ પાસે લેખિત ભલામણ કરાતી હોવાના અનેક કિસ્સા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ધ્યાને આવ્યા છે ત્યારે તેમણે એક પરિપત્ર કર્યો છે જેને કારણે આ પ્રેક્ટીસ પર હવે બ્રેક વાગી જશે તેમ લાગે છે.
તારીખ 2 જૂન, 2023ના રોજ ડીજીપી વિકાસ સહાયની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાજ્ય પોલીસ દળમાં ચોક્કસ પીઆઈ અને પીએસઆઇની ઉપરી અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવે છે અને આવી રજૂઆતની ચકાસણી કરતાં કેટલાક કિસ્સાઓમાં કચેરીના વડા દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારીઓને તેના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવે છે. આ પ્રકારની માંગણી યોગ્ય ન હોઈ આવી રજૂઆતોને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવો ઉલ્લેખ પરિપત્રની અંદર સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફરજ મોકૂફી ઉપરથી પુનઃસ્થાપિત થયેલા પોલીસ અધિકારીઓ તેઓને જે કચેરીની ફરજ દરમિયાન ફરજ મોકૂફ થયેલા છે તે જ કચેરીના વડા દ્વારા તેમની પુનઃ: માંગણી કરવામાં આવતી હોવાની વાત પણ ચકાસણી દરમિયાન ધ્યાને આવી છે, ત્યારે આ પ્રકારની માંગણીને ગંભીર બાબત તરીકે ગણી આ પ્રકારની રજૂઆત ને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવો પણ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ જ રીતે જ્યારે પણ કોઈ અધિકારીઓની નામજોગ માંગણી કરવામાં આવે છે, ત્યારે તેઓએ અગાઉ જિલ્લા કે શહેર કે યુનિટ ખાતે ફરજ બજાવેલી છે કે કેમ? તેની સેવા વિષયક માહિતી ચકાસણી કર્યા વગર બદલીની ભલામણ કરવામાં આવતી હોય છે. જે કિસ્સા પણ રાજ્ય પોલીસ વડાને ધ્યાને આવતા આગામી સમયથી રજૂઆતોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવો ઉલ્લેખ પરિપત્રની અંદર કરવામાં આવ્યો છે.