Mysamachar.in:ગાંધીનગર
રાજયની લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB) એ સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીની સૂચનાથી સાફસફાઈ શરૂ કરી છે. તાજેતરનાં ડમીકાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ પણ અપ્રમાણસર મિલકતો મામલે તપાસ શરૂ થવા પામી છે. જો કે આ કડક કાર્યવાહીને કારણે કેટલાંક લોકોને પેટનો દુઃખાવો પણ શરૂ થયો છે અને તેઓ અપપ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 35 અધિકારીઓની યાદી અલગ બનાવવામાં આવી છે જેઓ વિરૂદ્ધ આવક કરતાં વધુ મિલ્કતો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ અધિકારીઓમાં 16 અધિકારીઓ કલાસ વન અથવા ટુ નાં અધિકારીઓ છે.
આ ઉપરાંત ડમીકાંડમાં સંડોવાયેલા કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પણ ACBની તપાસ શરૂ થઈ છે. વર્તમાન વર્ષનાં 140 દિવસ દરમિયાન ACB એ કુલ 35 અધિકારીઓ વિરુદ્ધ લાંચ કેસ નોંધ્યા છે. આ ઉપરાંત ડમી કાંડના 16 અધિકારીઓ પણ રડારમાં આવ્યા છે. આ 51 અધિકારીઓ વિરુદ્ધ ACBએ અપ્રમાણસર મિલકતો અંગેની કાર્યવાહી શરૂ કરી છે. આ 140 દિવસમાં કુલ 67 અધિકારીઓ અને કર્મચારીઓ લાંચમાં ઝડપાઈ ગયા છે.
તાજેતરમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથમાં આવી ગયા છે તેઓ ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, શિક્ષણ, આરોગ્ય, નાણાં, અન્ન અને નાગરિક પુરવઠા, કૃષિ અને ખેડૂત કલ્યાણ ઉપરાંત નર્મદા અને જળ સંપત્તિ વિભાગનાં હોવાનું જાહેર થયું છે. આ અધિકારીઓમાં કલાસ વનનાં GAS કેડરના અધિકારીઓ પણ છે. દરમિયાન, ડમીકાંડમાં પણ તપાસ વિસ્તૃત બની છે. વિવિધ સરકારી વિભાગોમાં જેઓના માધ્યમથી ભરતીઓ થાય છે તે ભરતી યુનિટનાં અધિકારીઓ પણ તપાસનાં દાયરામાં આવી રહ્યા છે. એકંદરે, મુખ્યમંત્રી કક્ષાએથી વહીવટી તંત્ર પર જે રીતે સરકારની પક્કડ વધી રહી છે તેને કારણે ચોક્કસ સ્થાપિત હિતો અકળાયા છે, જેમાં કેટલાંક સતાપક્ષના હોવાની પણ ચર્ચા છે. આ પ્રકારના લોકો સરકાર વિરુદ્ધ કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનાં સંકેતો પણ દેખાઈ રહ્યા છે.