Mysamachar.in:ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ રૂ.7755 પ્રતિ કિવ. રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તા.29-05-2023થી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તા.01-06-2023 ના રોજથી શરૂ કરવામાં આવશે. અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.
રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરા આયોજન અને તમામ આનુસાંગિક તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી અને રાજ્યના ખેડૂત ભાઈઓને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.