Mysamachar.in:ગાંધીનગર
ઘણાં લાંબા ઈંતજાર પછી, રાજ્યનાં પ્રાથમિક શિક્ષકો માટેનાં જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અગાઉની અરજીઓ રદ્ લેખાશે અને શિક્ષકોએ નવી ઓનલાઇન અરજી કરવાની રહેશે. બદલી કેમ્પ માટેનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ જાહેરાત કરી છે કે, વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માટેનાં બદલીઓ અંગેનાં નિયમો 11/05 નાં ઠરાવથી પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. અગાઉ સ્થગિત કરવામાં આવેલાં જિલ્લા આંતરિક બદલી કેમ્પ રદ્ કરી નવેસરથી બદલી કેમ્પ યોજવા સરકારે સૂચના આપી હોય, આ કચેરી દ્વારા બદલી કેમ્પની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જામનગર સહિત રાજ્યભરમાં તમામ પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ તથા શાસનાધિકારીઓને આ અંગે પત્રો પાઠવવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, 18/05 થી 01/06 સુધી કેમ્પ માટેની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન 22/05 સુધીમાં, જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ નક્કી કરી એક્સેલ શીટમાં ગાંધીનગર મોકલવામાં આવશે. 26/05 સુધીમાં આ તમામ માહિતી ઓનલાઇન એન્ટર કરવાની રહેશે.
ત્યારબાદ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન અને 01/06 સુધીમાં પોર્ટલ ટેસ્ટિંગ થશે. 02/06 થી 07/06 સુધીમાં, ઉમેદવાર શિક્ષકો અને વિદ્યાસહાયકો આંતરિક બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરશે. 08/06 થી 11/06 દરમિયાન અરજી સુધારવા, રદ્ કરવા તથા ઉમેદવારો દ્વારા પ્રિન્ટ કાઢવાની કામગીરી, 12/06 થી 15/06 દરમિયાન તાલુકા કક્ષાએ અરજી વેરિફિકેશન તથા અરજી માન્ય/અમાન્ય કારણો સહિત જિલ્લા કક્ષાએ રજૂ થશે. 16/06 થી 19/06 દરમિયાન જિલ્લાકક્ષાએ અરજીઓની ચકાસણી તથા મંજૂરી/નામંજૂરી કારણો સહિત, અરજદારોને જાણ કરવાની અને મંજૂર અરજીઓ અપલોડ થશે.
26/06 સુધીમાં, જિલ્લા કક્ષાએથી નામંજૂર અરજીઓ સામે ઉમેદવારો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ આધારપુરાવાઓ સાથે વાંધા અરજીઓ રજૂ કરી શકશે. 27/06 થી 29/06 દરમિયાન રાજયકક્ષાએ વેરિફિકેશન કામગીરી અને ત્યારબાદ 30/06 થી 01/07 દરમિયાન રાજયકક્ષાએથી નિયામક દ્વારા ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુ વિગતો અથવા જાણકારી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક સાધવાનો રહેશે.