Mysamachar.in:ગાંધીનગર
કાયમ ખોટ કરતાં ST નિગમને બિઝનેસની બારાખડી નથી આવડતી, વિવિધ પ્રકારની ચાનક ચઢતી રહે છે અને પોતે ખૂબ જ વિચારશીલ અને ચિંતનશીલ છે એવું પૂરવાર કરવા મથતું રહે છે ! વાસ્તવિકતા એ છે કે, નિગમની બસો ઢંગધડા વિનાની હોય છે ! હવે આ નિગમને વધુ એક ચાનક ચઢી છે ! અથવા, કહો કે સરકાર આ નિગમનો પોતાનાં હેતુઓ માટે ઉપયોગ કરી રહી છે ! (ચૂંટણી સભાઓ અને સરકારી કાર્યક્રમો વખતે પણ નિગમનો ઉપયોગ થાય જ છે !)
થોડાં વર્ષો પહેલાં રાજયની તમામ ST બસમાં TV ડબલાં લગાવવામાં આવેલાં. થોડાંક દિવસો પછી ડબલાં ખરાં અર્થમાં ડબલાં સાબિત થયા. ખાનગી પાર્ટી સહિતનાં વચેટિયાઓએ કમાણી કરી લીધાં પછી, આ તમામ ડબલાંઓ ભંગારવાડે દફન થયાં ! કેટલીક બસોમાં હજુ આ ડબલાંનાં અવશેષો અથવા હાડપિંજર જોવા મળે છે. હવે સરકારને નવો શોખ જાગ્યો છે ! તમે ST બસમાં ‘બસ કી બાત’ સાંભળી શકશો. સરકાર પોતાની FM ચેનલ શરૂ કરશે. જે બસમાં મુસાફરોને મનોરંજન આપશે અને સાથે એ પણ જણાવશે કે, કપાસમાં રાતી ઈયળ આવે તો કઈ જંતુનાશક દવા છાંટવી જોઈએ ?! અથવા, અન્ય સરકારી પ્રચાર પડઘમ બસનાં ખખડધજ અવાજની સાથે બસમાં ગૂંજશે !
સૌ જાણે છે એમ, હાલમાં કોઈ ST બસમાં પંકચર પડે છે ત્યારે બસ સાથે સ્પેર વ્હીલ નથી હોતું ! મુસાફરોએ કલાકો સુધી હાલાકી વેઠવી પડે છે, નજીકનાં ST ડેપોથી વ્હીલ આવે ત્યાં સુધી ! ઘણી બસોમાં કાચ પણ નથી હોતાં ! શિયાળામાં અને ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જતી આ બસોના મુસાફરોની સ્થિતિ દયાજનક હોય છે. આ પ્રકારની બસોમાં FM ચેનલ ગૂંજશે ! કોન્ટ્રાકટરોનાં ખિસ્સા ભરાશે. મુસાફરો પર વધારાનો ત્રાસ ઝીંકાશે ! સરકારને ખબર છે કે ગુજરાતમાં દરરોજ પચ્ચીસેક લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. આ મુસાફરોને સરકારનો પ્રચાર સંભળાવવા આ ચેનલ શરૂ કરવામાં આવી રહી છે. સાથે મફત મનોરંજન પણ ખરૂં. કોઈ મુસાફરને ન સાંભળવું હોય તો ?! એ અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.