Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં એટલે કે પોલીસ સ્ટેશનોમાં સેંકડો આરોપીઓનાં મોત થાય છે. વિવાદો અને ચર્ચાઓ ચાલતી રહે છે. અને, છેલ્લાં બે વર્ષનાં આ આંકડા દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ, રાજ્યભરમાં પોલીસ સ્ટેશનમાં CCTV લગાડવા મુદ્દે સ્થિતિ શું છે ? તે જાણવું પણ રસપ્રદ છે. એક RTI અરજીમાં આ વિગતો બહાર આવી છે. એક અરજદારે રાજ્યનાં ગૃહ મંત્રાલયમાં RTI અરજી દાખલ કરી હતી. જેનાં જવાબો પરથી જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા લગાવવા મુદ્દે સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનાં બે વર્ષ પછી, રાજ્યનાં કુલ પોલીસ સ્ટેશન પૈકી 42.3 ટકા પોલીસ સ્ટેશનમાં આ કેમેરા લગાવવામાં આવ્યા નથી. જ્યાં કેમેરા લગાવવામાં આવેલાં છે, તે પૈકી અમુક કેમેરા બંધ પણ છે !
RTI અરજીનાં જવાબમાં જણાવાયું છે કે, રાજ્યનાં કુલ 879 પોલીસ સ્ટેશનો (ક્રાઈમ બ્રાન્ચ, SOG વગેરે સ્થળો)માં કુલ 12,701 કેમેરાની જરૂરિયાત સામે રાજ્યમાં કુલ 5,347 સ્થળોએ સુપ્રિમ કોર્ટનાં આદેશનાં બે વર્ષ પછી પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. 25 એપ્રિલની સ્થિતિએ, લાગેલાં કેમેરા પૈકી 167 કેમેરા બંધ છે ! સુપ્રિમ કોર્ટે કેમેરા લગાવવાનો આદેશ ડિસેમ્બર, 2020 માં આપ્યો હતો. આ RTI અરજીનાં જવાબમાં પોલીસનાં ટેકનિકલ વિભાગે અમુક ચોક્કસ પ્રશ્નોનાં જવાબો આપવાનું ટાળ્યું છે ! ગુજરાત પોલીસનાં ટેકનિકલ વિભાગનાં ADGP આ મુદ્દે ડાયરેક્ટ કશું બોલવા રાજી નથી, એમ RTI અરજદાર જણાવે છે. રાજ્યનાં ઘણાં બધાં પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાવવા અંગે તથા મેન્ટેનન્સ અંગે હજુ તો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં નાનાં નાનાં ચાર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ જ સુપ્રિમ કોર્ટનાં આદેશનું સંપૂર્ણ પાલન કર્યું છે. અત્રે નોંધનીય છે કે, ફેબ્રુઆરી-2022 માં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે ઘણું સુણાવી દીધું હતું. કારણ કે, બે મહિલાઓએ એવી રજૂઆત કરી હતી કે, ટ્રાફિક નિયમ ભંગના મામલે તે બે મહિલાઓને અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે પકડી લીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ખૂબ માર માર્યો હતો ! આ કેસમાં સરકારે અદાલતમાં જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર પોલીસ પાસે આ ઘટનાનાં CCTV ફૂટેજ ઉપલબ્ધ નથી.
સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા એ રીતે લગાવવાના છે કે, એક પણ ઈંચ જગ્યા કેમેરા કવરેજ બહાર ન રહેવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી અને એકઝીટ દરવાજા ઉપરાંત મુખ્ય દરવાજા, લોકઅપસ, કોરીડોર, લોબી, વરંડા, પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેક્ટરની કચેરીઓ, સ્ટેશન હોલ, પોલીસ સ્ટેશનનું સંપૂર્ણ મેદાન, ટોઈલેટની બહારનો સંપૂર્ણ વિસ્તાર, ડયૂટી ઓફિસરનો રૂમ તથા પોલીસ સ્ટેશનનાં પાછળનાં ભાગનો વિસ્તાર – ટૂંકમાં કેમેરા લગાવવામાં સંપૂર્ણ કવરેજ કરવાનું રહેશે.