Mysamachar.in:ગાંધીનગર
સામાન્ય રીતે કોઈ પણ પોલીસ વડા પોતાના જિલ્લામાં કોઈ પોલીસ સ્ટેશનની વિઝિટે જતાં હોય છે ત્યારે આ ઇન્સ્પેક્શન એક દિવસનું હોય છે. અને આ એક દિવસ દરમિયાન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાહેબની સરભરામાં રહેતો હોય છે, સાહેબ VIP સરભરા માણી જતાં રહે. વિઝિટનો કોઈ અર્થ ન સરે. એવું રાજ્યનાં પોલીસવડાનાં ધ્યાનમાં આવતાં તેઓએ દરેક જિલ્લામાં પોલીસવડા માટે નકકી કર્યું છે કે, પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન વડાએ ત્યાં 3 રાત તથા 4 દિવસ મુકામ કરવાનો રહેશે. અને, પોલીસ સ્ટેશનનાં રેકોર્ડ સહિતની તમામ બાબતો અસરકારક રીતે ચકાસવાની રહેશે.
એક જાણીતા અખબારના હવાલેથી મળતી માહિતી મુજબ રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાયનાં ધ્યાન પર આવ્યું હતું કે, કેટલાંક અધિકારીઓ ઇન્સ્પેક્શન કરતાં જ નથી. કેટલાંક અધિકારીઓ માત્ર નામ પૂરતું ઇન્સ્પેક્શન કરે છે. આથી ગુજરાત પોલીસ મેન્યુઅલ મુજબ, અસરકારક ઇન્સ્પેક્શન માટે DGPએ તમામ એસપીને આ સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. આ પ્રકારના ઇન્સ્પેક્શન દરમિયાન એસપી તથા ડીવાયએસપીએ જેતે પોલીસ સ્ટેશન હેઠળની આઉટ પોસ્ટ પોલીસચોકીઓનું પણ નિરીક્ષણ કરવાનું રહેશે. અને, એસપી-ડીવાયએસપીના આ નિરીક્ષણ કાર્યક્રમ રેન્જ આઇજી એ નિર્ધારિત કરવાનાં રહેશે. એમ કહેવાય છે કે, DGPનાં આ આદેશનું કડક પાલન કરવા, સમગ્ર રાજ્યમાં પોલીસતંત્રને ખાસ તાકીદ કરવામાં આવી છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, ગુજરાત પોલીસ મેન્યુઅલ મુજબ દરેક એસપી તથા ડીવાયએસપીએ પોતાના તાબા હેઠળના દરેક પોલીસ સ્ટેશનનો કામગીરી અને કાર્યવાહીઓનો રેકોર્ડ તપાસવાનો હોય છે. તથા તમામ સ્ટાફની તથા અધિકારીની કામગીરીની તટસ્થ સમીક્ષા કરવાની હોય છે. આ કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું ધ્યાનમાં આવતાં રાજય પોલીસ વડા આ મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા હોવાનું જાણવા મળે છે.