Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર ઈચ્છે છે કે, રાજ્યમાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટસને પ્રોત્સાહન મળે. આ માટે સરકારે પાંચ કંપનીઓ માટે જમીનોની ફાઈલ કલીયર કરી છે. અદાણી અને રિલાયન્સ સહિતની કંપનીઓને જમીનો આપવામાં આવી છે જે પૈકી સૌથી વધુ જમીન અદાણી કંપનીને મળી છે. ભારત સરકાર સમગ્ર દેશમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનને વેગ આપવા ઈચ્છે છે. જેમાં ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આ પ્રકારના ઉત્પાદન માટે પાંચ કંપનીઓને જમીનોની ફાળવણી કરી છે. આ જમીનો પ્રતિ હેક્ટર રૂ.15,000 નાં ભાવથી આપવામાં આવી છે. અદાણી અને રિલાયન્સ સહિતની કુલ પાંચ કંપનીઓને કુલ 01.99 લાખ હેક્ટર જમીન આપવામાં આવી છે. જેનાં બદલામાં સરકારને જમીનો પેટે રૂ.299 કરોડ મળશે.
આ સમગ્ર ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે, આ કંપનીઓ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા અદા કરશે. આ કંપનીઓને આ પ્રકારના પ્લાન્ટસ માટે સરકાર તરફથી અન્ય પ્રોત્સાહન પણ આપવામાં આવશે. ટૂંક સમયમાં આ બધી ગતિવિધિઓ આટોપી લેવામાં આવશે. જમીનોની ફાળવણીનો આ સૈધ્ધાંતિક સ્વીકાર હાલ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની જમીનો માટે થયો છે. જેમાં અદાણી કંપનીને 84,486 હેકટર જમીન, રિલાયન્સ કંપનીને 74,750 હેક્ટર, ટોરેન્ટ કંપનીને 18,000 હેક્ટર જમીન, આર્સેલર મિતલ નિપ્પોન સ્ટીલને 14,393 હેક્ટર તથા વેલસ્પન કંપનીને 8,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સૂત્રો કહે છે, આ પાંચ કંપનીઓએ કુલ 3.26 લાખ હેક્ટર જમીનની માંગણી કરી હતી. જે પૈકી સરકારે 01.99 લાખ હેક્ટર જમીનની ફાળવણી કરી છે અને આગામી સમયમાં કંપનીઓને હજુ વધુ જમીન આપવામાં આવશે એવું પણ જાણવા મળે છે.