Mysamachar.in:ગાંધીનગર
દેશ અને દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિની વાહવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ઔદ્યોગિક અને સમૃદ્ધ રાજ્યનું ટેગ પણ ધરાવે છે. છતાં, જમીની હકીકત એ છે કે – રાજ્યમાં અમુક ચોક્કસ શહેરોમાં જ ઉદ્યોગ ફૂલ્યા ફાલ્યા છે જેને કારણે બાકીનાં વિસ્તારોમાં રોજગારી અને વિકાસની સ્થિતિ નબળી રહેવા પામે છે. રાજય સરકાર ખુદ કહે છે – રાજ્યમાં કુલ 234 જીઆઇડીસી છે. જે પૈકી માત્ર 6 જીઆઇડીસી વિકસિત છે. 211 જીઆઇડીસી અલ્પ વિકસિત છે અને બાકીની 17 જીઆઈડીસી ખાલી નામની જ છે ! જ્યાં કોઈ જ ધંધા ઉદ્યોગ નથી ! તાજેતરમાં રાજ્યમાં જીઆઇડીસી વિસ્તારમાં ભાડાવધારાનો મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે, આ આંકડાઓ અનાયાસે જ બહાર આવી પડ્યા.
સમગ્ર રાજ્યમાં ઉદ્યોગોનો સંતુલિત અને વ્યાપક વિકાસ કરવામાં આવે તો રાજ્યના પ્રત્યેક વિસ્તારોમાં રોજગારીનો પ્રશ્ન ઓછો વિકરાળ બનાવી શકાય, બધાં વિસ્તારોના અર્થતંત્રને ઓક્સિજન મળે. વિકાસનાં ફળો સૌ સુધી પહોંચાડી શકાય. જેને બદલે લાગતાં વળગતા વિસ્તારોમાં જ ઉદ્યોગો વિકાસ પામે તો સંબંધિત વિસ્તારમાં તે શહેર પર ભારણ વધી જાય, પ્રદૂષણ વધી જાય. ઔદ્યોગિક ગીચતાને પરિણામે જોખમો અને નુકસાન વધી જાય. સંતુલિત ઔદ્યોગિક વિકાસ રાજય સરકારનો એજન્ડા જ નથી ?!
-જામનગર જિલ્લામાં આ રહ્યા બે સ્પષ્ટ ઉદાહરણ…
જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ નજીક જીઆઈડીસી સ્થાપવા લાંબા સમયથી માત્ર વાતો ચાલી રહી છે. જમીનોના સટ્ટામાં સૌ વ્યસ્ત છે ! જીઆઇડીસી કાર્યરત કયારે થશે ? લોકો માટે રોજગારીની તકો કયારે ઉભી થશે ? વગેરે પ્રશ્નોનાં જવાબો કોઈ જાહેરમાં બોલતું નથી !
બીજું ઉદાહરણ કાલાવડ જીઆઇડીસી નું છે. બબ્બે વખત તો ઉદઘાટન થયું ! તો પણ જીઆઇડીસીને તાળાં ! સૌ સંબંધિતો અન્ય કામોમાં વ્યસ્ત છે અને સ્થાનિક લોકો રોજગારી માટે ટટળે છે ! ગુજરાત ઔદ્યોગિક રાજ્યનું જે ટેગ ધરાવે છે – એ ટેગ સાર્થક કેટલું ?! પૂછીએ રાજ્યનાં ઉદ્યોગમંત્રીને અથવા સરકારને !