Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો અને મદદનીશ શિક્ષકોની બદલીઓ માટેનાં નિયમોનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે. અને, ગણતરીના કલાકોમાં આ સુધારેલા નિયમોની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે એમ જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ શિક્ષકોનાં બદલીકેમ્પ યોજાયા હતાં પરંતુ ત્યારે વિરોધ ઉઠ્યો હતો તેથી સરકારે બદલીકેમ્પ રોકી દીધાં હતાં. અને, બદલીઓ માટેનાં નિયમો સુધારવા એક કમિટીની રચના કરી હતી. આ કમિટીની અત્યાર સુધીમાં ચાર બેઠકો યોજવામાં આવી. છેલ્લી બેઠક ગઈકાલે બુધવારે યોજાઈ હતી, જેમાં નવા નિયમોનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો.
સૂત્રો જણાવે છે, આ ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરતાં પહેલાં સરકારે શિક્ષકો પાસેથી સૂચનો મેળવ્યા હતાં. નવા નિયમો ઘડતી વખતે આ સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા છે. કમિટીએ આ ફાઈનલ ડ્રાફ્ટ શિક્ષણ વિભાગને મોકલી આપ્યો છે. આ ડ્રાફ્ટનાં આધારે શિક્ષણ વિભાગ હવે ફરીથી બદલીકેમ્પ તુરંતમાં શરૂ કરી શકશે. ગત્ ઓક્ટોબર મહિનામાં 20 થી 29 તારીખ દરમિયાન સરકારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે બદલીકેમ્પ યોજી શિક્ષકો અને મદદનીશ શિક્ષકોની બદલીઓ અંગેની સમસ્યાઓ નિપટાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ જેતે સમયે શિક્ષકો દ્વારા આ બદલીકેમ્પનો વિરોધ થયો હતો. ત્યારબાદ જિલ્લાવાઈઝ આંતરિક બદલીઓ માટેનાં કેમ્પ પણ બે તબક્કામાં યોજવામાં આવ્યા હતાં.
હવે સરકારે સુધારેલા નિયમો બનાવ્યા છે જેની જાહેરાત ટુંક સમયમાં થશે ત્યારે શિક્ષણ જગત દ્વારા આ નિયમો અંગે શું પ્રતિભાવ આપવામાં આવશે, તે જોવું રસપ્રદ બની રહેશે. જો કે, નિયમોમાં શું ફેરફારો કરવામાં આવ્યા છે ? તે અંગે હાલ કમિટીએ અથવા શિક્ષણ વિભાગે કોઈ સંકેતો આપ્યા નથી.