Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં જ્ઞાનસેતુ સહિતની સ્કૂલ્સની યોજનાનો શૈક્ષણિક સંઘો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, આ વિરોધની સાથેસાથે શૈક્ષણિક સંઘો પોતાની પડતર માંગણીઓ અંગે સરકાર પર દબાણ સર્જી રહ્યા છે. સરકારે કેટલીક સામાન્ય માંગણીઓ સ્વીકારી પણ લીધી છે. કેટલીક બાબતો માટે આગામી સમયમાં સરકાર પરિપત્રો કરશે એવું હાલ નક્કી થયું છે. રાજ્યનાં વિવિધ શૈક્ષણિક સંઘો અને શિક્ષણમંત્રી વચ્ચે સંઘોની માંગણીઓ અંગે એક બેઠક યોજવામાં આવી હતી. સરકારની પ્રોજેક્ટ સ્કૂલ્સની યોજનાનો વિરોધ કરી રહેલા સંઘોએ આ બેઠકમાં પોતાની સાત પડતર માંગણીઓ રજૂ કરી હતી. જે પૈકી, પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ્ કરવા સહિતની કેટલીક માંગણીઓ સરકારે સ્વીકારી છે. સરકારે આગામી સમયમાં પરિપત્રો કરવાની પણ જાહેરાત કરી છે.
આ બેઠકમાં શાળા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ તથા વહીવટી કર્મચારી સંઘ સહિતના સંઘોના હોદેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રોજેક્ટ સ્કૂલ્સની યોજનાનો વિરોધ થતાં દબાણમાં આવેલી સરકારે શિક્ષણ બોર્ડનાં ચેરમેનની અધ્યક્ષતામાં જે કમિટી રચી છે તેમાં સંઘોના હોદેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીની બેઠકમાં સંઘોએ માંગણીઓ રજૂ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગનાં કેબિનેટ મંત્રી ડિંડોર અને રાજ્યમંત્રી પાનસુરીયા બંને ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં સંઘોએ માંગણીઓ ઉપરાંત પ્રોજેક્ટ સ્કૂલ્સની યોજના અંગેનાં કેટલાંક પ્રશ્નો પણ રજૂ કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કમિટીની સમીક્ષા બેઠકો યોજાઈ ગયા પછી આ અંતિમ બેઠક શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બોલાવવામાં આવી હતી. જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ શાળાઓમાં બે હજાર વિદ્યાર્થીઓ સમાવવાને બદલે 500-500 વિદ્યાર્થીઓ સમાવવામાં આવે તથા જ્ઞાનસેતુ ડે સ્કુલમાં 70 ટકાથી વધુ પરિણામ ધરાવતી શાળાઓનો જ સમાવેશ કરવામાં આવે તેવી માંગણી સંઘો દ્વારા આ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત RTE, FRC તથા પ્રોજેક્ટ સ્કૂલ્સની જુદી જુદી ફી એક નક્કી કરવા તેમજ શહેરી અને ગ્રામ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા અંગે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં સંઘોએ એમ પણ કહ્યું કે, RTE એકટ હેઠળ, પ્રોજેક્ટ સ્કૂલ્સની યોજનામાં બાળકોની પ્રવેશ પરીક્ષા ન લઈ શકાય. જૂની પેન્શન યોજના તથા પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ અંગે પરિપત્ર કરવા બેઠકમાં માંગણી થઈ. આ ઉપરાંત આચાર્યોના ઈજાફા, રજાઓનું રોકડમાં રૂપાંતર, સાતમા પગારપંચનાં બાકી રોકાતા નાણાં તથા શિક્ષકો અને આચાર્યોની ભરતીઓ વગેરે મુદ્દાઓ આ બેઠકમાં રજૂ થયા. આ બેઠક બાદ સમીક્ષા સમિતિએ પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે અને તે સાથે કેટલીક ભલામણો પણ કરી છે. આગામી સમયમાં સરકાર દ્વારા નિર્ણયોની જાહેરાતો કરવામાં આવશે તેમજ કેટલીક બાબતો અંગે પરિપત્રો પણ જાહેર કરવામાં આવશે.