Mysamachar.in:ગાંધીનગર
રાજ્યના શાશકપક્ષ ભાજપમાં કેટલાય નાના મોટા આગેવાનો એવા છે જે પોતાની અપેક્ષા મુજબ પક્ષ કોઈ બોર્ડ નિગમોમાં સ્થાન આપે તેવી છેલ્લા કેટલાય સમયથી અપેક્ષાઓ રાખીને બેઠા છે, ત્યારે આવા કાગડોળે રાહ જોઇને બેઠેલા હોદેદારોની કિસ્મતના તાળા ખુલી શકે તેવા સમાચાર ગાંધીનગર સુત્રો તરફથી મળી રહ્યા છે.
ગુજરાત સરકારના બોર્ડ અને નિગમોમાં રાજકીય હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા આરંભાઇ છે. હાલ સરકાર ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર, સભ્ય સહિતની વિવિધ જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરી રહી હોવાનું સુત્રો કહે છે, 60થી વધુ બોર્ડ નિગમમાં ઘણા સમયથી ઘણી જગ્યાઓ ખાલી છે. વર્ષ 2022ની ચૂંટણી અગાઉ હોદ્દેદારોના રાજીનામા લેવામાં આવતા આ જગ્યા ખાલી પડી છે. ત્યારે પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટે નામોની યાદી મંગાવી હતી.
બોર્ડ નિગમમાં અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત બોર્ડ નિગમમાં યુવાનોને તક મળે તેવી શક્યતાઓ છે. જેમાં જીએમડીસી, ટૂરીઝમ, પવિત્ર યાત્રાધામ, ગૌણ સેવા પસંદગી બોર્ડ જેવા બોર્ડ નિગમોમાં જગ્યા ખાલી છે. લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણૂંક માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. જો કે ક્યારે આવા નામોની જાહેરાત થશે તે સામે આવ્યું નથી.